જૂનાગઢનાં યુવકને ‘તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…’ એમ કહી ૨૪ કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની પાસેથી ૨૬.૧૫ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ થતાં સાયબર પોલીસમાં થઇ છે. શહેરમાં શશીકુંજ રોડ, નવી કલેકટર ઓફિસ સામે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય મનન શશીકાંતભાઈ મહેતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, બેંગ્લોર ખાતેની કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે પ્રાઇવેટ નોકરી વર્ક ફોર્મ હોમ તરીકે ઘરે રહીને કામ કરૂ છું. ગઈ તા. ૧૨-૦૬-૨૦૨૪ના રોજ સવારે ૯ વાગે ઘરે હતો ત્યારે મારા મોબાઈલ ઉપર અજાણ્યા મોબાઈલ નંબર ૯૨૦૦૪૪૯૨૫૫ ઉપરથી ફોન આવેલ અજાણ્યા શખ્સે અંગ્રેજીમાં વાતચીત કરી હું મુંબઈથી ડીએચએલ કુરિયર કસ્ટમર ઓફિસર અમિતકુમાર બોલું છું તમારા નામથી એક પાર્સલ તાઇવાનના એડ્રેસ ઉપર મોકલવામાં આવેલ જે મુંબઈ કસ્ટમ દ્વારા ડિટેઇન કરવામાં આવેલ છે, જેમાં તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાર્સલ નું વજન ૭.૬ કિલો છે અને પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા ૧૫,૬૪૫ ભરવામાં આવેલ છે. પાર્સલમાં કપડા, ૫ પાસપોર્ટ, લેપટોપ, ૨૦૦ ગ્રામ એમડીએમએ ડ્રગ્સ અને રૂપિયા ૩૫,૦૦૦ રોકડા મળી આવેલ છે તમારા ઉપલા અધિકારી અંકિત શર્મા સાથે વાત કરવી પડશે તેમ જણાવી શખ્સે ફોન ટ્રાન્સફર કરી આપ્યો હતો બાદમાં અંકિત શર્માએ અંગ્રેજીમાં વાત કરી તમારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઇમરજન્સી લાઈન ઉપર ફરિયાદ નોંધાવવાની રહેશે તેમ જણાવી ફોન ટ્રાન્સફર કરી આપતા સામેથી વિક્રમસિંહ નામના વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી તમારા આધાર કાર્ડના ઉપયોગ દ્વારા મોકલવામાં આવેલ પાર્સલમાં ડ્રગ્સ હોવાના કારણે ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની રહેશે તેમ જણાવી સ્કાયપી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવતા ડાઉનલોડ કરી હતી. અને લેપટોપ મારફતે ઓનલાઈન મીટીંગ જાેઈન થયો હતો. એપ્લિકેશનમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના આઈડી દ્વારા મોબાઇલમાં કેમેરા સામે ઓનલાઈન વીડિયો ચાલુ રાખી સતત એક દિવસ ઘરની બહાર નીકળવા નહિ દઈ ગોંધી રાખી ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપ્યો હતો અને બેંક ખાતાની માહિતી અને તેમાં રહેલ રકમ એસબીઆઈ દ્વારા વેરીફાઈ કરવા માટે અજાણ્યા બેન્ક ખાતામાં મારી પાસેથી પોલીસ કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી રૂપિયા ૨૬.૧૫ લાખ કઢાવી લીધા હતા. આ અંગે યુવકની અરજી બાદ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે ગુરૂવારે ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો સામે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.