કુંભના મેળામાં મહેશગીરીને પ્રવેશવા ઉપર પ્રતિબંધના કહેવાતા અખાડા પરિષદના આક્ષેપની સામે મહેશગીરી આગબબુુલા : હરીગીરી સામે વધુ એક તોપનું નાળચું મંડાયું
એક તરફ પ્રયાગરાજ ખાતે કુંભનો મેળો ચાલી રહ્યો છે અને દેશભરના સંતો કુંભના મેળામાં ઉપસ્થિત છે. આ દરમ્યાન બે દિવસ પહેલા એક સમાચાર વહેતા થયા હતા કે જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીને કુંભના મેળામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો નિર્ણય અખાડા પરિષદે લીધો હોવાની વાત જાહેર થઈ હતી. આ સમાચારને પગલે ફરી એકવાર ભવનાથ મહાદેવ મંદિરના મહંત અને અખાડા પરિષદના હરીગીરી તેમજ જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીનું યુધ્ધ ઉકળતા ચરૂ જેવું સર્જાયું છે. અખાડા પરિષદના કહેવાતા આ નિર્ણય સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત અને હાલ રાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાઈ રહેલા મહા યજ્ઞના કાર્યક્રમના મુખ્ય યજમાન એવા મહેશગીરી આગ બબુલા થયા હતા અને સમય ફાળવીને પણ લોકોની સમક્ષ સત્ય ઉજાગર કરવા માટે મિડીયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે બપોરે એક પત્રકાર પરિષદ યોજી અને મહેશગીરીએ હરીગીરી અને તેની ગેંગ સામે ફરી એકવાર સનસનીખેજ ભર્યા આક્ષેપો અને કથિત વિડીયો પણ પ્રસારીત કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે બરાબર આ સમયે જ હરીગીરી અને મહેશગીરી વચ્ચેનું આ યુધ્ધ પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે.
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ-સંતો વચ્ચે ગાદી વિવાદ ચાલી રહ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ અને જૂના અખાડાના સંરક્ષક હરિગિરિ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે કુંભમેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ, મહાદેવગિરિ, કનૈયાગિરિ અને અમૃતગિરિની હકાલપટ્ટી કર્યાની વાતે જાેર પકડ્યું હતું. એ મામલે ગઈકાલે મહેશગિરિએ રાણેશ્વર ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી અને ગયા વર્ષે શિવરાત્રિના મેળામાં મુજરાઓ થયા હોવાના આક્ષેપ કરી વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હરિગિરિ અને તેની ગેંગે જૂનાગઢને અને શિવરાત્રિના મેળાને અપવિત્ર કર્યો છે. આ ઉપરાંત તેમણે ગિરીશ કોટેચાને પણ આડેહાથ લીધા હતા. મહેશગિરિએ જણાવ્યું હતું કે મારી પર તપાસ કમિટી બેસાડવામાં આવી હતી. તપાસ કમિટીમાં જેનાં નામ બતાવ્યાં છે તે બધા અંગ્રેજી પાર્ટી કરી રહ્યા છે. કેક લઈ પાર્ટી કરી રહ્યા છે, શું આ સનાતની સાધુ છે? મારા શિવરાત્રિના મેળાને અપવિત્ર કરવાનું કામ આ હરિગિરિએ કર્યું છે. ૨૦૨૪ના મેળામાં મુજરા થયા હતા અને આ મુજરા હરિગિરિના ચેલાઓ કરાવી રહ્યા છે, મેળાને અપવિત્ર કરવાનું કામ કરી રહ્યા છે, શરમ આવવી જાેઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું તને છોડીશ નહિ હરિગિરિ, સરકારને કહીશ કે આ હરિગિરિ અને તેની ગેંગનું જરા જુઓ, આમાં સરકારની બદનામી થઈ રહી છે અને તેને બચાવવા માટે જૂનાગઢના ભ્રષ્ટાચારી નીકળી પડ્યા છે, મેં પ્રમાણિકતા સાથે વાત કરી છે, આવતો જૂનાગઢનો શિવરાત્રિનો મેળો કેવો કરવો છે એ જરા વિચાર કરજાે. તેમણે જણાવ્યું, મેં પહેલેથી કહ્યું છે કે મને મારો ગિરનાર આપો, હું બધું છોડી દઈશ, આ લોકોને પણ માફ કરી દઈશ અને કહીશ કે તમે અહીંથી ચાલ્યા જાઓ, જેવો હતો એવો મને મારો ગિરનાર પાછો આપો. બિચારા સાચા સાધુ બોલતા નથી અને હરિગિરિ એવું કહી રહ્યા છે કે મને બરખાસ્ત કરી દીધા. જૂનાગઢના સાધુઓએ પોતાનું લોહી રેડીને જૂનો અખાડો બનાવ્યો છે. મહાદેવગિરિની જે દરખાસ્તની વાત કરવામાં આવી છે ત્યારે મહાદેવગિરિએ તેને આપેલા રૂપિયાની રસીદ અને પહોંચ છે. મહાદેવગિરિએ ઈંટો અને પથ્થરો લગાવ્યાં હતાં. મારે ત્યાંથી ૫૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. અનેક સાધુઓએ રૂપિયા આપ્યા છે. કુંભમેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે પદભ્રષ્ટ કર્યા છે એ મામલે તેમણે જણાવ્યું કે મીડિયા મારી પાસે પદભ્રષ્ટ મામલે પુરાવા માગે છે, પરંતુ એમને ખબર નથી કે આ લોકો કેવી રીતે પદભ્રષ્ટની વાતો કરી રહ્યા છે. આ તો એવું થયું કે એક ગામના સરપંચ કહે કે હું આ ખેડૂતને પદભ્રષ્ટ કરૂ છું. સરપંચ ક્યારેય ખેડૂતને પદ ભ્રષ્ટ કરી શકે નહીં, કારણ કે ખેડૂત તેના વંશ પરંપરાગતના ૭/૧૨ની નોંધણીમાં તેનું નામ લખેલું હોય છે. ૨૦ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે અને શું સત્ય છે એ સાબિત કરી દો, હું ઇચ્છું છું કે આ લોકો લેખિતમાં અને મીડિયા સમક્ષ આ માહિતી આપે, જેથી કરી મને આ હરિગિરિનાં કપડાં ઉતારવાનો મોકો મળે, મને પદ ભ્રષ્ટ કરવામાં આવ્યો છે એ મામલે કોઈ સાચી માહિતી નથી અને હું સુખડ સાધુ છું કોઈના બાપની તાકાત નથી કે મને કુંભના મેળામાં પ્રવેશ કરતો અટકાવી શકે તેમ જણાવ્યું હતું.