જૂનાગઢમાં દેવી ભાગવતજી કથાનો લાભ લેતા ભાવિકો

0

આજે શાકંભરી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થશે

જૂનાગઢમાં નગરશેઠની હવેલી ખાતે દેવી ભાગવત કથાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ભાવિકો તેનો લાભ લઈ રહ્યા છે. દરમ્યાન આજે શાકંભરી મહોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિરબાઈ મહિલા મંડળ દ્વારા આયોજીત પૂજય જલારામ બાપાના મંદિરના લાભાર્થે શ્રી દેવી ભાગવત કથાનો કાર્યક્રમ જૂનાગઢના આંગણે ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. છંદ, દુહા, ગરબા, ભજનો, શ્લોક, મંત્રોના નાદ બ્રહ્મથી નરસિંહ મહેતાની યાદો તાજી થઈ રહી છે. ગત તા.૩૦ જાન્યુઆરીથી અનેરા ઉમંગ ઉત્સાહથી દેવી ભાગવતજી કથાનો પ્રારંભ થયો હતો. આ કથા જાણે સાક્ષાત અંબા ભવાની સમસ્ત દેવીઓ સાથે પધારી પ્રસંગની પાવન કરી રહી છે. મુંબઈથી આવેલા આંતરરાષ્ટ્રીય કથાકાર છેલ્લા ૩૪ વર્ષથી વિદેશો સનાતન ધર્મનો ધ્વજ ફરકાવતા રહ્યા છે. તેવા ભાગવત કથાકાર પૂજય વિજુબેન રાજાણી જેઓ વિજુમાના લાડકા નામે પ્રખ્યાત છે. તેઓશ્રી દેવી ભાગવત કથાનું આગવી શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. આ માત્ર કથા નથી ભારતમાં ઘટેલી ઘટના તથા પ્રગટેલી માતૃશક્તિ દેવીઓની ભવ્ય ગાથા છે. કથા તો ઘણી સાંભળી છે પરંતુ પૂ.માંએ દેવી ભાગવત કથાને આજના માનવો આજનું રાજકારણ આજના વિચારોમાં દેવોનું, દેવીઓના સ્થાનને કાર્યને આધુનીકતા પરોવી કથા આજે પણ ચાલું જ છે એવી પ્રતીતી કરાવી હતી. આ કથા દરમ્યાન દેવીના પ્રાગટયથી માંડી શિવ આ જ્ઞાન છે. માં અંબા શકિત છે સમજાવી સુંદર શિવ વિવાહ પ્રસંગને મનોરમ્ય બનાવી દીધો હતો તથા માં લક્ષ્મીના પ્રાગટય બાદ લક્ષ્મી નારાયણ વિવાહ પણ ધામધૂમથી ઉજવાઈ ગયો. લક્ષ્મી જે લક્ષ સાધવામાં વપરાય તેને જ કહેવાય બાકી પૈસો કહેવાય અંબા, ભવાની ભગવતી વૈષ્ણવી શકિત ચામુંડા ચંડી મહાલક્ષ્મીના અષ્ટ સ્વરૂપોને શ્રવણ કરાવતા શ્રોતાઓ ભાવ વિભોર થયા. સમજાવવામાં સરળ ભાષા સુરીલો કંઠ, મંત્ર સુધ્ધી, બુલંદ અવાજ શ્રોતાઓના દિલ જીતી લીધા છે અને દેવી ભાગવત કથાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. દરમ્યાન ગઈકાલે લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્ર મશરૂ તેમજ કેશોદથી આવેલા ડો. શાંતિલાલભાઈ ધનેશા, ડો. પરાગભાઈ ધનેશા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ દેવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢમાં ખુબ સુંદર મજાની દેવી ભાગવત કથાનો લાભ આપી રહેલા આંતરરાષ્ટ્રીય કથાકાર વિજુબેન રાજાણીનું સન્માન કરવામાં આવેલ હતું તેમજ મહાનુભાવોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે લોહાણા મહિલા મંડળના કાર્યકર્તાઓ, સ્ત્રી નિકેતન સંસ્થા, નારી શક્તિ સંસ્થા, રાધારાણી બહેનોનું મંડળ, કૃષ્ણ સત્સંત મંડળ, હાટકેશ સત્સંગ મંડળ સહિતના બહેનોનું મંડળ જેવી વિવિધ સંસ્થાઓ કે જેમાં મહિલાઓ દ્વારા ધાર્મિક સેવાકીય અને રચનાત્મક પ્રવૃતિ કરવામાં આવી રહી છે તેવા આ મહિલા મંડળોએ દેવી ભાગવત કથાના સ્થળે ખાસ ઉપસ્થિત રહી અને કથાનો લાભ લીધો હતો. દરમ્યાન દેવી ભાગવત કથામાં રોજેરોજ પ્રસંગોની ભક્તિભાવથી ઉજવણી થઈ રહી છે. આજે શાકંભરીનો ઉત્સવ સાંજના પ થી ૬ દરમ્યાન ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાવિકોને ખાસ ઉપસ્થિત રહેવા આયોજકો તેમજ પૂજાબેન કારીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!