સાડા છ હજાર ચોરસ ફૂટ જગ્યા પરનું દબાણ ધ્વસ્ત કરાયું
દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ ૧૧ મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં આઠ દિવસની કામગીરીમાં ૫૨૫ જેટલા દબાણો દૂર કરાયા છે. ત્યારે કેટલાક સ્થળોએ અગાઉ હાઈકોર્ટ દ્વારા કેટલાક ધાર્મિક સ્થળો ઉપર દબાણ દૂર કરવા સામે આપવામાં આવેલા સ્ટે પછી આ સ્ટે મંગળવારે ઉઠી જતા જિલ્લા પ્રશાસનને બાલાપર વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી કરી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ ગઈકાલે મંગળવારે બપોરથી ઓખા મંડળના બેટ દ્વારકાના બાલાપર ખાતે અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડાની ખાસ ઉપસ્થિતિમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તેમજ સ્થાનિક મામલતદાર અને તેમની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા ઓપરેશનમાં કોઈપણ જાતના અંતરાય વગર કામગીરી કરવામાં આવી હતી. જેમાં અમુક દબાણકર્તાઓએ અગાઉ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરાતા કોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે અંગે સુનવણી હાથ ધરાતા, તંત્ર તરફી ફેસલો આવતા, મંગળવારે બપોરે વહીવટી તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને બેટના બાલાપર વિસ્તારમાં વધુ એક વખત અનઅધિકૃત અતિક્રમણ પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો આપતા એસ.ડી.એમ. અમોલ આવટેએ જણાવ્યું હતું કે વીસેક દિવસ પૂર્વે સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. જે પૈકી કેટલાક આસામીઓએ હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર મેળવ્યો હતો. જે ઉઠાવી લેવામાં આવતા આજે સરકારી જમીન પરના દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી આવી હતી. આ કામગીરી આજે બુધવારે પણ ચાલુ રહી હતી. મંગળવારની આ કામગીરીમાં આશરે સાડા છ હજાર ચોરસ ફુટ જેટલી જમીન પરનું દબાણ હટાવવામાં આવ્યું છે. આ જગ્યાની કિંમત આશરે રૂપિયા પોણા બે કરોડ આંકવામાં આવી છે. આ દબાણ હટાવ કાર્યવાહી સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે બાલાપર વિસ્તારમાં કેટલીક વાદગ્રસ્ત મનાતી જગ્યા પર હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્ટે અરજી આજરોજ રદ કરાતા પોલીસ અધિકારીઓ સાથે એસ.આર.ડી. તથા જી.આર.ડી. સહિત આશરે ૮૦૦ જેટલા જવાનોએ બંદોબસ્ત ગોઠવી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે બાલાપર વિસ્તારમાં આવેલી કેટલી ધાર્મિક સહિતની જમીનો અંગે વકફ બોર્ડ તથા બેટ ભડેલા મુસ્લિમ જ્ઞાતિ દ્વારા હાઇકોર્ટમાં યથાવત પરિસ્થિતિ જાણવા જાળવી રાખવા કરવામાં આવેલી અરજી અન્વયે હાઇકોર્ટે ૧૫ દિવસનો સ્ટેટસ કવો આપ્યો હતો. ત્યારે અહીંનું બાંધકામ મંજૂરી વગર હોવાનું તેમજ મદ્રેસા, કબ્રસ્તાન વિગેરે બાંધકામ થયા હોય, જે અંગેના કેટલાક આધારો હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવતા જસ્ટિસ મોના એમ. ભટ્ટ દ્વારા ગઈકાલે આ સ્ટે ફગાવી દેવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈને ગઈકાલે જ દ્વારકા જિલ્લા પ્રશાસને ઓપરેશન ડિમોલિશન શરૂ કરી દીધું હતું. તંત્રની આ દબાણ હટાવ ઝુંબેશમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ત્યારે વધુ એક વખત શરૂ કરાયેલી દબાણ હટાવ કામગીરીએ દબાણકર્તા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે.