તા.૨૫ ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે
ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ ૨૫ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ખંભાળિયા શહેરના મહત્વના રેસીડેન્સ વિસ્તાર એસએનડીટી – રામનાથ સોસાયટી વિસ્તારમાં આજથી આશરે ૧૨ વર્ષ પૂર્વે નગરપાલિકા દ્વારા નવી શાક માર્કેટ બનાવવામાં આવી હતી. આ શાક માર્કેટમાં નાના-મોટા કુલ ૩૯ ગાલા (સ્ટોલ) બનાવવામાં આવ્યા હતા. ત્યારે અહીંના જાેધપુર ગેઈટ શોપિંગ સેન્ટરની જેમ જ શાકમાર્કેટ માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થતા હવે આ શાક માર્કેટને પણ લોકો માટે ખુલ્લી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આ માર્કેટમાં રહેલા નાના-મોટા કુલ ૩૯ ગાલાઓ (સ્ટોલ)ની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ગાલા (સ્ટોલ)ને હરાજીથી ભાડાપટ્ટે મેળવવા માટેની જાહેર હરાજી આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે માર્કેટની નજીક આવેલા કોમ્યુનિટી હોલ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં યોજવામાં આવી છે. ત્યારે આ ગાલા (સ્ટોલ) માટેની બુકલેટ તારીખ ૨૦ ફેબ્રુઆરી સુધીમાં મેળવી લઈ અને તારીખ ૨૪ સુધીમાં નિયત રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે નગરપાલિકા કચેરી ખાતે પરત આપવાની રહેશે તેમ જાહેર થયું છે. આ ભાડાપટ્ટે ગાલા મેળવવા માટેની પ્રત્યેક નાના ગાલાની અપસેટ પ્રાઈઝ રૂપિયા પોણા બે લાખ તેમજ મોટા ગાલાની વધુ રકમ નક્કી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.