ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાંથી આવેલા નિરીક્ષકો મોહન કુંડારીયા અને સુરેશ ગોધાણીની હાજરીમાં વેરાવળમાં ભાજપ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ પદે ઓબીસી/કારડીયા રાજપૂત સમાજમાંથી આવતા અને વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન એવા ડો.સંજય પરમારની નિયુકતીની જાહેરાત કરવામાં આવી હતી. ડો.સંજય પરમાર અગાઉ વેરાવળ-પાટણ શહેર ભાજપમાં મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ શહેર ડોક્ટર સેલના સંયોજક તરીકે પણ કાર્યરત રહ્યા છે. પાર્ટીમાં જીલ્લા સંયોજક, આપત્તિ, રાહત અને સેવાકાર્ય પ્રકલ્પની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. આજે જીલ્લા પ્રમુખ તરીકે ડો.સંજય પરમારના નામની જાહેરાત થતા જ ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ હારતોરા કરી આવકાર્યા હતા. આ તકે ડો.પરમારે છેલ્લી ત્રણ ટર્મથી સોમનાથ વિધાનસભા બેઠક જીતવાથી વંચીત હોવાથી આ બેઠક આગામી ચુંટણીમાં જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પાર્ટી ઉપર લાગેલા આ કલંકને દૂર કરવાનો આત્મવિશ્વાસ સાથે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.