યાત્રાધામ દ્વારકામાં ત્રણ દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
યાત્રીકોને સ્વર્ગ દ્વારેથી પ્રવેશ અને મોક્ષ દ્વારથી નિકાસ
રીલાયન્સ રોડ, કિર્તી સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબધ્ધ રીતે શ્રધ્ધાળુઓને ૫૬ સીડી વાટે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નિકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જગતમંદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટસ, મંડપ ઈત્યાદિ પણ ગોઠવાઈ રહયા છે. તા. ૧૪ મી ના રોજ બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં આમલકી એકાદશીએ ઠાકોરજી સંગ અબીલ ગુલાલ ગુલાબ પંખુડીઓથી રંગે રંગાતા ભાવિકો
દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ કુંજ એવમ્ આમલકી એકાદશીના પાવન અવસરે હજારો ભાવિકો વહેલી સવારથી જ લાંબી કતારો સાથે જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જગતમંદિરમાં મંગલા આરતીથી બપોરે અનોસર સુધી ભાવિકોનો ઘસારો જાેવા મળ્યો હતો. આજરોજ સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજી સંગ ભાવિકોએ અબીલ ગુલાલથી રંગાયા હતા. ઠાકોરજીને આજરોજ અગિયારસ નિમિત્તે વારાદાર પૂજારી પરિવાર દ્વારા વિશેષત: ગુલાબની પંખુડીઓ સાથે હોળી ખેલવામાં આવી હતી. જેના અલભ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણભકતોએ નિહાળ્યો હતો.
ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં પદયાત્રીઓ માટે ઠેરઠેર રાહત કેમ્પ
વ્યવસ્થાતંત્ર ખડેપગે રહી યાત્રીકલક્ષી સઘન આયોજન…
દ્વારકામાં વસંત ઋતુના વધામણા સાથે છેલ્લાં ચાર દિવસથી પદયાત્રીઓ અને પ્રવાસીઓનો પ્રવાહ ઉમટી પડયો છે જેમાં સતત વધારો જાેવા મળી રહયો છે. ફુલડોલ ઉત્સવનો રંગ દ્વારકામાં પુરેપુરો જામી ગયો હોય તેવું વાતાવરણ મંદિર તથા બજારમાં જાેવા મળે છે. વહીવટીતંત્ર દ્વારા હાઇવે માર્ગો ઉપર પદયાત્રીઓની સુવિધા માટે સામાજિક સંસ્થાઓએ સેવા કેમ્પો શરૂ કર્યા છે તો બીજી તરફ જે તે વહીવટી વિભાગો દ્વારા પદયાત્રીકોની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન રીતે ઉભી કરી છે. મંદિર પરિસરમાં રોજ સવારે શૃંગાર આરતી અને સંધ્યા આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત હોય છે. અબીલ ગુલાલના છાંટણા કરી વસંત ઋતુ મનાવવામાં આવી રહી છે અને ભગવાન દ્વારકાધીશજીને વિવિધ શણગારો સાથે યાત્રીકોને દર્શન કરાવવામાં આવી રહયા છે. સામાજિક સંસ્થાઓએ સેવાના કેમ્પમાં યાત્રીકોની જરૂરીયાત મુજબની ખાણીપીણીની સુવિધા ઉભી કરી છે રાજકોટ-પોરબંદર-ઓખા તરફથી દ્વારકા સુધીના માર્ગોમાં ઠેરઠેર પદયાત્રિકોની પ્રવાહ જાેવા મળી રહ્યો છે.