ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આગામી દિવસોમાં હોળી, ધુળેટીના તહેવારોને અનુલક્ષીને જરૂરીયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. અહીંના જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા કીટ વિતરણ કાર્યક્રમમાં અહીંના મૂળ વતની અને હાલ લેસ્ટર સ્થિત ચંદ્રેશભાઈ શ્રીમાનકર તેમજ અન્ય દાતા સદગૃહસ્થોના આર્થિક સહયોગથી ૫૦ જેટલા પરિવારને આ કીટ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રેશભાઈ શ્રીમાનકર દ્વારા નિયમિત રીતે ગૌસેવા, મંદિરોમાં સેવા તેમજ વાર-તહેવારે જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ, ધાબળા વિતરણ, પતંગ- ચીકી – ફટાકડા વિતરણ, સહિતની સેવા પ્રવૃત્તિઓ માટે અનુદાન આપવામાં આવે છે. આ માટે લેસ્ટર સ્થિત પાબારી, ઠકરાર, પરમાર, સોમૈયા, કારીયા વિગેરે દાતા પરિવારોનો પણ નિયમિત સહકાર મળી રહે છે. આ કીટ વિતરણ પ્રસંગે લાયન્સ ક્લબના હાડાભા જામ, ધીરેનભાઈ બદીયાણી, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ પોપટ વિગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.