આપઘાત પૂર્વે યુવતીએ વિડીયો બનાવી જીંદગી ટુંકાવી
જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતી એક ર૦ વર્ષીય યુવતીએ આપઘાત પૂર્વે માતા અને ભાઈને સંબોધીને વિડીયો બનાવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર જાગી છે, આ ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને પારિવારીક કંકાસ અને ઝગડાઓથી આ પગલું ભર્યાનું અનુમાન છે. જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી લક્ષ્મી વેગડા(ઉ.વ.ર૦) નામની યુવતીએ રાતે પોતાના ઘરે રસોડામાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જે બનાવ પૂર્વે યુવતીએ આપઘાત પૂર્વે એક વિડીયો બનાવ્યો હતો જેમાં રડતા રડતા પોતાની માતા અને ભાઈને સંબોધીને એવું જણાવેલું છે કે તને ખબર છે મારામાં કેટલી પ્રોબ્લેમ છે. હું ભણેલી નથી, મારા પગ ઉપર ઉભી રહી શકું એમ નથી, મને એવું પાત્ર મળી ગયું તો મારે તારી(માતા) જેમ હેરાન થવું પડશે, એટલે આવી રીતે કરવા એટલે આખી જીંદગી ઉપાધી નહી. હું દુ:ખ સહન કરી શકું નહી. હું કેટલી નબળી પડું છુ, બધામાં મને ડર લાગે છે. ભાવિન મમીનું ધ્યાન રાખજે,મમી તારા ભરોસે જીવે છે, હું જે કરૂ છું તે મારા માટે કરૂ છું. એટલે આ જીંદગીથી મને કંટાળો આવે છે. એટલે આ રસ્તાઓ અપનાવ્યો છે. આ વિડીયો બનાવીને યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, આ બનાવ અંગે પોલીસે વિડીયો કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે, પ્રાથમિક તપાસમાં યુવતીએ પારિવારીક ઝગડાઓને લીધે અને પરિવારનો કંકાસ હોવાનું જાણવા મળી રહ્યું છે.