દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ
હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તા. ૬ માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી, નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા, ટોયલેટ બ્લોકની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન થયું હતું. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યાં હતાં, જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે. છેલ્લા એકાદ દાયકા કરતા વધુ સમયથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત ૨૪ કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પનો ચાલુ વર્ષે અંદાજે સવા લાખ કરતાં ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો.