કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાનો તથા કેસર જળથી રંગ રમાડાશે અબિલ ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાશે : દ્વારકાધીશજીને તમામ પ્રકારની વ્યંજનો સાથે વિશેષ ધાણી-દારીયા, ખજુર, સુકોમેવો, મગ,-ચોખા, તથા મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાશે
યાત્રાધામ દ્વારકા જગત મંદિરે હોળી ફુલડોલ ઉત્સવનું અનેરૂ મહત્વ હોય છે. ફાગણી પુનમના દિવસે પવિત્ર ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ હોય ઠાકોરજી સંગ રંગાવા તથા ફુલડોલ ઉત્સવ મનાવવા લાખો ભાવિકો દ્વારકા પહોચ્શે. દ્વારકાધીશજી મંદિરે ફુલડોલ ઉત્સવનું અનેરૂ મહત્વ છે. હોળાષ્ટકની શરૂઆતથી જગતમંદિરે સવારની શુંગાર આરતી અને સાંજની સંધ્યા આરતીમાં પુજારી દ્વારા શ્રીજીને અબિલ ગુલાલથી રમાડાય છે. તા.૧૪ શુક્રવારના પુનમના (ધુળેટી) ફુલડોલ ઉત્સવ ઉજવાશે. સવારથી જ જગતમંદિરે ભાવિકોનું ધોડાપુર ઉમટી પડશે. તા,૧૪મીએ પુનમ હોવાથી મંગલા આરતી સવારે ૬:૦૦ વાગ્યે થશે. અનોસર(મંદિર બંધ) બોપરે ૧:૦૦ કલાકે થશે. ફુલડોલ ઉત્સવ આરતી બોપરે ૧:૩૦ વાગ્યે થશે. ઉત્સવ દર્શન ૧:૩૦ થી ૨:૩૦ સુધી થશે.૨:૩૦ થી ૫:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સાંજે શ્રીજીનો ક્રમ નિત્યક્રમ મુંજબ રહેશે. શુક્રવારના મંદિર પરીસરમાં બોપરે ૧:૩૦ થી ૨:૩૦ ફુલડોલ ઉત્સવ ઉજવાશે. ઉત્સવ નિમીતે શ્રીજીને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. તેમા નિત્યક્રમની તમામ પ્રકારની વ્યંજનો સાથે વિશેષ ધાણી-દારીયા, ખજુર, સુકોમેવો, મગ,-ચોખા, તથા મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાશે. ત્યારબાદ ફુલડોલ ઉત્સવ આરતી કરાશે. ઉત્સવ આરતી દરમિયાન ફરીથી ઠાકોરજીને હસ્તમાં રંગોની પોટલી ધરાવાશે. તેમજ ચાંદીની પીચકારીમાં કેસુડાનું કેસરનું પાણી ભરી ઠાકોરજીને રંગે રમાડાશે. તથા ઠાકોરજીને ધરાવેલ રંગોની પોટલીમાંથી અને પીચકારીથી ભાવિકોને રંગ ઉડાડાશે. ત્યારબાદ દ્વારકાધીશજીના જય જયકાર વચ્ચે ભાવિકો અબિલ ગુલાલથી રંગે રમશે. સમગ્ર મંદિર પરીસરમાં અબિલ ગુલાલની છોળો ઉડશે.અને ભાવિકો શ્રીજી સંગ ભાવભેર રમશે. હાલ ફુલડોલ ઉત્સવ ઉજવવા ઉમટેલા યાત્રિકો પદયાત્રિકોથી દ્વારકા ધમધમી રહ્યું છે.