પાલીકાએ હજારો બાકીદારોને ડીમાન્ડ નોટીસ પાઠવી ભરપાઈ કરવા તાકીદ કરી
વેરાવળ સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા પાલીકા તંત્રએ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને બાકીદારોને વોરંટ નોટીસો ઈસ્યુ કરીને મિલ્કત જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત આજે એકીસાથે ૪૮ જેટલી મિલ્કતો જપ્ત કરી સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. આ કાર્યવાહી બાદ અન્ય બાકીદારો રકમ ભરપાઈ નહીં કરે તો નળ કનેકશનો કાપવા તજવીજ હાથ ધરાશે તેવું જાણવા મળેલ છે. આ અંગે માહિતી આપતા ચીફ ઓફીસર પાર્થિવ પરમાર અને ટેક્ષ અધિકારી સફીભાઈએ જણાવેલ કે, વેરાવળ સોમનાથના શહેરીજનો પાસેથી તા.૩૦/૧/૨૫ની સ્થિતિએ હાઉસટેક્ષ, પાણી, સફાઈ, દિવાબતી વેરાની કુલ ૨૫ કરોડની રકમ બાકી છે. જેની વસુલાત કરવા માટે તાજેતરમાં બાકીદારોને ત્રણેક હજાર જેટલી નોટીસ વોરંટો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં બાકીદારો કરવેરાની બાકી રકમ ભરવામાં તસ્દી ન લેતા હોવાથી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આજે એક દિવસમાં ૪૪ દુકાનો અને હોલ, ઓફીસો, મકાનો મળી કુલ ૪૮ મિલકતોની જપ્તી કરી સીલ કરવામાં આવ્યા છે. આ બાકીદારોમાં આરાધના સિનેમા કોમ્પ્લેક્ષોના ભાગીદારોની કુલ ૨૨ દુકાનો, હીરા મેણસી સોલંકી, પિયુષ મહેતા , દિલીપ ગીરધર મહેતા, ધર્મેન્દ્ર શંકરલાલ પટેલ, જયેશ વ્યાસ, રાઈસ ડેવલોપર્સ, સોની પ્રભુદાસ ચુનીલાલ, બટુક બાબુ લુહાર, પ્રવિણા નવીન સાબરડા, મુકેશ નારણ, રતિલાલ ખાંટ, રામીબેન રણછોડ વિસાવડીયા, વિપુલ વિરજી ગોહેલ, હર્ષાબેન રમેશ પોપટ, ચંદ્રાબેન રૂપચંદ લાલવાણી, મંછારામ પાનોમલ મોહનાણી, કમાલ સીદી, છગન કાનજી આગીયા, યોગેશ વેલજી ચાંદેગરા, ટી.ટી.ઠકરાર, પૂર્ણા તુષાર ત્રિવેદી, મનીષ હરીલાલ ચુડાસમાની મિલ્કતોને સીલ મારી જપ્તી કરવામાં આવેલ છે. આ ઝુંબેશની કાર્યવાહી ચાલુ રહેશે જેમાં બાકીદારોના નામ જાેગ ઢંઢેરો પીટાવવાની અને નળ કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.