ખંભાળિયામાં રહેતા એક યુવાનને ગત રાત્રિના સમયે સ્કૂટર પર જતી વખતે રસ્તે રઝળતા આખલાએ ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ કરૂણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં સલાયા ફાટક નજીક આવેલા રંગીલા હનુમાન મંદિર પાસે નજીક રહેતા પ્રવીણભાઈ કારૂભાઈ ધમા ૪૩ વર્ષના ગઢવી યુવાન ગતરાત્રીના આશરે ૮:૩૦ વાગ્યાના સમયે તેમના એક્સેસ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે નજીક આવેલી કોર્ટ પાસેથી દોડતા આવી રહેલો એક આખલો પ્રવીણભાઈના એક્સેસ સાથે ધડાકાભેર અથડાયો હતો. આખલાની આ ટક્કરથી પ્રવીણભાઈ ધમા સ્કૂટર સાથે ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને નજીક આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બે સંતાનોના પિતા એવા પ્રવીણભાઈનું આખલાની ઠોકરે અકાળે મૃત્યુ નીપજતા શહેરભરમાં ભારે અરેરાટી સાથે ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.