હિન્દુ ધર્મમાં ફાગણ માસના પવિત્ર તહેવાર ગણાતાં હોળી તથા ફુલડોલ ઉત્સવની બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ પારંપરિક ધાર્મિક રીત-રસમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. હોળી મહોત્સવ બાદ તા.૧૪ માર્ચના રોજ બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં કુલડોલ ઉત્સવ ઊજવાશે. બેટ દ્વારકાધીશ મંદિરમાં આ ઉત્સવને દોલોત્સવ કહેવામાં આવે છે. સોમવારે સવારે ૧૧:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ઠાકોરજીના દોલોત્સવ ઉત્સવ દર્શન યોજાનાર છે. જેમાં દ્વારકાધીશના ચલ સ્વરૂપ શ્રી ગોપાલજીને મધ્યાહનભોગ અર્પણ કરાયા બાદ દોલોત્સવ માટે ઝુલામાં પધરાવી ચાંદીની પિચકારીમાં કેસુડો ભરી ઠાકોરજી સંગ ઉપસ્થિત દર્શનાર્થીઓનો સંગ મંદિરના મુખ્યાજીઓ દ્વારા અબીલ ગુલાલ સાથે દોલોત્સવ રમી પારંપરીક રીતે ઉજવણી કરાય છે. દોલોત્સવ ખેલ્યા બાદ ગોપાલજીને નિજમંદિરમાં પુન: પધરાવી ઠાકોરજીને રાજભોગ ધરાવાય છે. જેને ફગવા ભોગ પણ કહેવામાં આવે છે. મંદિરના ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશભાઈ બદીયાણીની યાદીમાં જણાવ્યાનુસાર તા. ૧૫ મીએ શનિવારે દ્વિતીયા પાટોત્સવની પણ ઉજવણી કરાશે જેમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭:૩૦ વાગ્યે, મોર આરતી સવારે ૮ વાગ્યે, શૃંગાર આરતી સવારે ૧૧:૩૦ વાગ્યે, મધ્યાહન આરતી બપોરે ૧૨ વાગ્યે તેમજ ઠાકોરજીને મીઠા જળ બપોરે ૧ વાગ્યે યોજાશે એટલે કે તમામ મંદિરો બંધ થઈ જશે. સાંજે ૪:૩૦ વાગ્યે શ્રીજીના ઉત્થાપન દર્શન થશે તેમજ રાત્રે ૮ વાગ્યે શ્રીજીના શયન દર્શન થશે. સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકામાં પણ રોડ રસ્તે પહોંચવું સરળ બન્યુ હોય ત્યારે દ્વારકાની જેમ બેટ દ્વારકાધીશ મંદિરમાં પણ હોળી ઉત્સવની ઊજવણી કરવા યાત્રિકોનો માનવ મહેરામણ બેટ દ્વારકાધીશ મંદિર તરફ ફંટાયો હોય તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. હાલમાં જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે તે સ્થળે વિક્રમ સંવત ૧૬૧૭ માં જામનગરના રાજા જામરાવળજીએ મંદિરો સિદ્ધ કરાવ્યા હતા અને પ્રભુ બિરાજમાન થયા હતા. ત્યારથી આજદિન સુધી દર વર્ષે એટલે કે છેલ્લાં ૪૬૪ વર્ષથી અહીં ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી સંગ દોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે.