ભાવનાત્મક સુખાકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા મનોવિજ્ઞાન વિભાગ સાથે એમ.ઓ.યુ. કરાયા
વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ વળગણ, આક્રમક વર્તન અને અભ્યાસના ભારણને લીધે માનસિક તણાવનો અનુભવ કરતા હોય છે. ત્યારે મોબાઇલને લીધે થતા માનસિક તનાવને ઓછો કરવા અંગે માર્ગદર્શન આપવા ગત તા. ૦૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સરકારી પોલીટેકનીક, રાજકોટના ઈ.સી. (આઈ.સી.ટી.) વિભાગ દ્વારા ‘માનસિક સ્વાસ્થ્ય અને મોબાઇલ’ તથા ‘કૃત્રિમ બુદ્ધિ અને માનવીય બુદ્ધિ’ વિશે સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના મનોવિજ્ઞાન ભવનના વડા પ્રોફેસરશ્રી વાય. એ. જોગસન તથા આસીસ્ટન્ટ પ્રોફેસરશ્રી ડો. ડી.આર.દોશીએ વિષયને અનુરૂપ વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ વિવિધ રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિગત સુખાકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી સરકારી પોલીટેકનીક, રાજકોટ તથા મનોવિજ્ઞાન વિભાગ, સોરાષ્ટ્ર યુનિવર્સીટી વચ્ચે MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી ડો. એ. એસ. પંડ્યાનું માર્ગદર્શન મહત્વનું રહ્યું હતું. ઇન્ચાર્જ આચાર્યશ્રી એ.ડી.સ્વામીનારાયણએ સ્વાગત ઉદ્બોધન તથા ઈ.સી. વિભાગના ઇન્ચાર્જ વડાશ્રી એચ. કે. પ્રજાપતિએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ઈ.સી. વિભાગના ઇન્ચાર્જ વડાશ્રી એચ.કે. પ્રજાપતિની દેખરેખ હેઠળ વ્યાખ્યાતા શ્રી પી. એન. કરગટિયા તથા શ્રી એ.બી. મકવાણાએ કર્યું હતું. આ તકે સંસ્થાના વિવિધ વિભાગના વડા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.