રાજકોટ જિલ્લાના છેલ્લા ત્રણ માસમાં ૩૫૯ સોનોગ્રાફી-ઈમેજિંગ કેન્દ્રોમાં તપાસ કરાઈ : ગર્ભ પરીક્ષણ કાયદાના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી થશે : સી.ડી.એચ.ઓ. શ્રી આર. આર. ફુલમાળી

0

રાજકોટ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ – પ્રોબિહિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ)ની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવી હતી.

        રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં  ગત ત્રિમાસિક ગાળામાં સમિતિ દ્વારા થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ૬૦૦ કેન્દ્રો નોંધાયા હતા. જેમાંથી હાલ ૩૫૯ કેન્દ્રો સક્રિય છે, ૧૫ કેન્દ્રો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૨૬ કેન્દ્રો હાલ બંધ છે.

        આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન માટે નવી પાંચ અરજીઓ અને રિન્યૂઅલ માટેની બે અરજી મળીને કુલ સાત અરજીઓ આવેલી છે. જેમાંથી પાંચ રાજકોટ સિટીની છે જ્યારે એક ગોંડલ તથા એક પડધરીની છે. જેમાંથી ચાર અરજીઓમાં સ્થળ તપાસ થઈ ગઈ છે અને કામગીરી સંતોષકારક જણાતાં તેને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીની ત્રણ અરજીઓમાં સ્થળ તપાસ પછી નિર્ણય લેવાશે.

        જિલ્લા સલાહકાર સમિતિ દ્વારા ગત ત્રણ માસમાં રાજકોટ શહેર-જિલ્લાના તમામ ૩૫૯ કેન્દ્રોની મુલાકાતો લઇને તપાસ કરવામાં આવેલી છે. જેમાં જાન્યુઆરી માસમાં ૧૧૫, ફેબ્રુઆરીમાં ૧૨૧ અને માર્ચમાં ૧૨૩ કેન્દ્રોમાં જઈને તપાસ કરવામાં આવેલી છે.

        આ બેઠકમાં હાલમાં મવડીમાં પકડાયેલા ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કિસ્સાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આરોપી મહિલાને મશીન આપનારા ડોક્ટર સહિતનાઓ સામે તપાસ ચાલુ હોવાનું જણાવાયું હતું.

        સી.ડી.એચ.ઓ. શ્રી આર. આર. ફુલમાળીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના છ તાલુકાઓમાં સેક્સ રેશિયો ૯૦૦થી ઓછો છે. જેમાં જામકંડોરણા ૮૦૬, વિંછીયા ૮૩૯, ગોંડલ ૮૪૧, જેતપુર ૮૪૭, રાજકોટ સિટી ૮૬૮ તથા જસદણ ૮૭૪નો સમાવેશ થાય છે.

        આ વિસ્તારોમાં બેટી બચાવો, બેટી પઢાવો ઝુંબેશ તેમજ જાગૃતિના પ્રયાસો વધુ સઘન બનાવવા પર તેમણે ભાર મુક્યો હતો. આ સાથે દીકરો-દીકરી સમાન અને સ્ત્રી-પુરુષ ભેદભાવની માનસિકતા દૂર કરવા, મહિલાઓના આર્થિક સશક્તિકરણ, દીકરીઓના શિક્ષણ અંગે લોકજાગૃતિ કેળવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનો મજબુત અમલ થઈ રહ્યો છે અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો કડક શિક્ષાત્મક પગલાં લેવાશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ બેઠકમાં સેક્સ રેશિયોમાં જોવા મળતા તફાવત પાછળ સમાજની બદલાતી માનસિકતા કે મનોવલણોનો અભ્યાસ કરવા અંગે પણ વિચારણા થઈ હતી.

        આ બેઠકમાં આર.સી.એચ.ઓ. ડૉ. પી.સી. જોશીપુરા, ડૉ. વી.વી. ગોરીયા, ડૉ. મયૂર ભાટીયા, ડૉ. શીતલ પ્રજાપતિ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!