દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા ચિત્રકાર અને અગાઉ વિવિધ બાબતે સન્માનિત થયેલા કેનેડી ગામના ચિત્રકારને વધુ એક એવોર્ડ થયો છે. સૌથી લાંબી યોગ અને ચિત્રકલા મેરેથોનમાં તેમને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા કેનેડી ગામે રહેતા અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધરને તાજેતરમાં તેમની કેનેડીથી ટોબર, દ્વારકામાં ૫૧ કિલોમીટરની ૧૪ દિવસની ૨૪,૧૨૩ દંડવત યોગ પેઇન્ટિંગ સાથેનો રેકોર્ડ આપવામાં આવતા તેમને જાણીતી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર હાંસલ થયું છે. યોગ, પેઇન્ટિંગ બંને સાથેનો રેકોર્ડ સ્થાપવામાં આવતા તેને અમદાવાદના જાણીતા ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને ધામિર્ક અને પ્રાકૃતિક ચિત્રકલામાં અનેરી સિદ્ધિ હાંસલ કરનારા અરવિંદભાઈ ખાણધરને આ વધુ એક સન્માન મળ્યું છે.