સોનેરી સ્વાસ્થ્યની ચાવી ખેલકૂદ : નેશનલ અને ઇન્ટરનેશનલ રમી ચુકેલ નિવૃત કર્મચારી, ડોક્ટર અને હાઉસ વાઈફ વિજેતા સ્પર્ધકો રોજની સરેરાશ બે કલાક પ્રેક્ટિસ કરે છે
‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત આજના સમયમાં સાર્થક હોવાનું સચોટ ઉદાહરણ પૂરું પાડી રહી છે, રાજ્યકક્ષાની ૬૦ વર્ષથી વધુ વયની બેડમિન્ટન સ્પર્ધાની મહિલા ખેલાડીઓ. ગતરોજ રાજકોટ ખાતે પૂર્ણ થયેલી આ સ્પર્ધામાં ૨૦ જેટલી મહિલાઓએ સિંગલ્સ તેમજ ડબલ્સમાં જુસ્સાભેર ભાગ લઈ યુવાઓને પણ શરમાવે તે પ્રકારે કૌવત દેખાડ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ વિજેતા ૬૭ વર્ષીય તારામતીબેન પરમાર છેલ્લા ૩૦ વર્ષથી બેડમિન્ટન રમે છે, ને જ્યારથી ખેલ મહાકુંભ શરૂ થયો ત્યારથી ભાગ લે છે. માત્ર રમવા ખાતર નહીં પરંતુ ખુબ સારૂ પરફોર્મ કરતા મૂળ અમદાવાદના પોસ્ટ વિભાગમાંથી નિવૃત કર્મચારી તારામતી બેને અત્યાર સુધીમાં કેટલા મેડલ્સ મળ્યા તે યાદ નથી. ગત વર્ષે ગોવામાં નેશનલ માસ્ટર બેડમિન્ટન સ્પર્ધામાં વુમન્સ સિંગલ, ડબલ અને મિક્સ ડબલમાં વિજેતા થયેલા. અત્યારસુધીમાં ૪ ઇન્ટરનેશનલ રમી ચુકેલા તારાબેન આગામી સપ્ટેમ્બરમાં પટાયા ખાતે માસ્ટર વર્લ્ડ ચેમ્પિયનશીપ રમવા જઈ રહ્યા છે. તેઓ જણાવે છે કે, રમત થકી મારુ સ્વાસ્થ્ય એકદમ નિરોગી રહ્યું છે. રોજની બે કલાકથી વધુ સમય બેડમિન્ટન રમે છે ને તેઓએ કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધેલી નથી. જીવનભર રમત રમવી છે તે જ તેમનું ધ્યેય છે. જયારે બીજા ક્રમે સિલ્વર મેડલ વિજેતા થનાર ૭૨ વર્ષીય બાળકોના ડોકટર અનિતાબેન કોઠિયાલા આણંદના વતની છે. બાળકો અને યુવાઓને બેડમિન્ટન રમતા જોઈ મારે પણ આ રમત રમવી જોઈએ તેવો નિશ્ચય કર્યો. માત્ર પાંચ વર્ષની પ્રેક્ટિસ સાથે તેઓ સતત બીજી વાર ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બન્યા છે. ડો. અનિતાબેન ગત વર્ષે ગોવામાં નેશનલ માસ્ટર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ રનર્સ અપ તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સ્પર્ધામાં વુમન ડબલ્સમાં રનર્સ અપ રહ્યા હતાં. યુવાઓની જેમ રમત રમતા ડો. અનિતાબેન સારા આરોગ્યની ચાવી રમતગમત હોવાનું દ્રઢ પણે માને છે. જયારે ત્રીજા ક્રમે વિજેતા રાજકોટના વતની ૭૬ વર્ષીય સરલાબેન દવે હાઉસ વાઈફ છે. કોલેજ સમયથી બેડમિન્ટન ઉપરાંત એથ્લેટીક્સ, ચક્ર ફેક, ગોળા ફેક જેવી રમતોમાં ભાગ લે છે. ખેલ મહાકુંભ માત્ર રમતોત્સવ જ નહીં પરંતુ દરેક લોકોને રમત પ્રત્યે પ્રેરણા પુરી પાડતો હોવાનું તેઓ માને છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલ ‘ખેલ મહાકુંભ’ આજે માત્ર બાળકો, યુવાનો જ નહીં પરંતુ વયસ્ક લોકોને પણ સ્વાસ્થ્યની ચાવી પૂરી પાડી રહ્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે.