કલેકટરના જાહેરનામા મુજબ પ્રતિબંધ હોવા છતાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકતા હોવાનું સીસીટીવીમાં કેદ થતા તંત્રએ કરી કડક કાર્યવાહી
વેરાવળ સોમનાથ સ્વચ્છ રાખવા તંત્ર અનેક સ્તરે કામગીરી કરી રહ્યુ છે પરંતુ શિક્ષિત જવાબદાર લોકો જ તંત્ર દ્વારા કરાતી અપીલ ન અનુસરીને અભણ લોકો જેવું વર્તન કરી રહ્યા હોવાથી અનેક ઠેકાણે ગંદકી જાેવા મળે છે. દરમ્યાન અમુક કચરાના સ્થળે ગંદકી અટકાવવા સીસીટીવી ફીટ કરાયા છતાં લોકો સુધરવાનું નામ લેતા ન હોવાને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેરાવળના પોષ વિસ્તારમાં મેડીકલ સ્ટોરનો સંચાલક જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાંખતો સીસીટીવીમાં કેદ થયો છે. જેના આધારે તેની સામે જાહેરનામા ભંગનો પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર જાગી છે. ગીર સોમનાથમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ નાંખવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જીલ્લા મેકઈસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા પ્રસિધ્ધ કરી તેની અમલવારી કરાવી રહ્યા છે. ત્યારે વેરાવળમાંથી લોકોને શરમ આવે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કસ્તુરબા મહિલા મંડળ સામે આવેલ અમૃત મેડિકલ સ્ટોરના માલીક દ્વારા ગઈકાલે એક બોકસ ભરેલ બાયોમેડીકલ વેસ્ટનો જથ્થો જાહેરમાં ફેંકવામાં આવતો હોવાનું પાલીકાના સીસીટીવીમાં કેદ થઈ જતા તંત્રના ધ્યાને આવ્યુ હતુ. જેના આધારે મેડિકલ સ્ટોરના માલિક પંકજ અમૃતભાઈ ગૌદાણા વિરુદ્ધ હેલ્થ ઓફીસરએ ફરીયાદ આપતા પોલીસે બીએનએસની કલમ ૨૨૩ હેઠળ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચકચાર જાગી છે.