માંગરોળમાં ૬.૨૦ લાખના ચેક રિટર્નના કેસમાં કોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો

0

એડવોકેટ એમ.એમ.ખાણીયાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ જાહેર કર્યો

માંગરોળમાં ૬.૨૦ લાખના ચેક રિટર્નના કેસમાં કોર્ટે કલમ ૧૩૮(બી) મુજબ નોટીસની બજવણી નહીં થયાનું તેમજ આરોપી વિરૂદ્ધ કેસ પુરવાર થતો ન હોવાનું નોંધી આરોપીને નિર્દોષ ઠેરવવા હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે માંગરોળ તાલુકાના મેખડી ગામના રહેવાસી દુદાભાઈ વેજાભાઈ ઓડેદરાએ માંગરોળ કોર્ટમાં ફરીયાદ આપી હતી કે વાડલા ગામના સંજયભાઈ દુદાભાઈ વરૂને વેપાર ધંધા અર્થે પૈસાની જરૂરિયાત હોય, સબંધ અને મિત્રતાના ધોરણે વગર વ્યાજે ૬.૨૦ લાખ હાથ ઉછીના રોકડા આપ્યા હતા. જે અંગે રૂા.૩૦૦ના નોન જયુડિ. ઈસ્ટેમ્પ પેપર પર તા.૩-૨-૨૩ના રોજ એગ્રિમેન્ટ કરી નોટરાઈઝડ કરાવાયું હતું. આ રકમ બે માસ બાદ એકી સાથે પરત ચુકવવાની હતી. આ રકમ પૈકી સંજયભાઈએ ૩ લાખ અને ૩.૨૦ લાખની રકમના ચેક આપ્યા હતા. પરંતુ આ ચેક બેંકમાં વટાવવા રજૂ કરતાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત થયા હતા. ખાતામાં અપુરતું બેલેન્સ હોવા છતાં સામાવાળાએ ફક્ત છેતરપિંડીના ઈરાદે લેણી રકમ ડુબાડવા ચેકો આપેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ચેક રિટર્નનો આ કેસ માંગરોળ કોર્ટમાં ચાલતા ફરીયાદ હકીકત, રેકર્ડ પર રજુ કરવામાં આવેલા પુરાવા, આરોપીના નિવેદન, બંને પક્ષે રજૂ કરવામાં આવેલી દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે આરોપીએ ૬.૨૦ લાખના ચેક તેમના કાયદેસરના દેવા કે આર્થિક જવાબદારીની ચુકવણી પેટે ફરીયાદીને આપેલ છે ? આરોપીએ વટાઉખત અધિ.૧૮૮૧ની કલમ ૧૩૮ મુજબનો ગુનો કરેલ છે ? તે મુદ્દાઓ ધ્યાને લીધા હતા. આરોપી પક્ષે રોકાયેલા એડવોકેટ એમ.એમ.ખાણીયાએ નોટીસ તથા એક્નોલેજમેન્ટ સ્લીપ, પોસ્ટખાતાની ફી પાવતી, સરતપાસમાં અલગ દર્શાવાયેલા સરનામા સંબંધ દલીલો કરી, નોટીસની બજવણી થયેલ ન હોય, આરોપીને તકસીરવાન ઠેરવી ન શકાય તેવી દલીલો કરી હતી. દરમ્યાન સુપ્રિમકોર્ટેના ચુકાદાનું અવલોકન તેમજ ફરીયાદીએ પોસ્ટ મારફતે મોકલેલી ડિમાન્ડ નોટીસની પાવતીની એક્નોલેજમેન્ટ સ્લીપમાં સરનામું, આરોપીનું સાચું સરનામું હોવાનું પુરવાર કરેલ નથી. એક્નોલેજમેન્ટ સ્લીપમાં આરોપીની સહી ન હોવાની ફરીયાદીની ઉલટ તપાસમાં કબુલાત, કલમ ૧૩૮ મુજબ “નોટીસ આપવી” અને “નોટીસ બજવણી” બંને અલગ બાબત હોવાનું તથા કરારમાં દર્શાવાયેલા આરોપીના સરનામે નોટીસ મોકલ્યાનો કોઈ પુરાવો ફરીયાદ પક્ષ રજુ ન કરી શકયાનું ધ્યાને લઈ જયુડિ.મેજી. સી.એમ.રાઠોડે આરોપીને નિર્દોષ ઠેરવવા હુકમ કર્યો હતો.

error: Content is protected !!