રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત પડધરીના ગૌરવની હોઠ અને તાળવાની જન્મજાત ક્ષતિ દૂર કરી સ્મિત ખીલવતો આર.બી.એસ.કે. કાર્યક્રમ

0

છેલ્લા એક વર્ષમાં કલેફ્ટ લીપ અને પેલેટ ધરાવતા ૩૪ બાળકોનું સ્ક્રીનીંગ : ૧૧ ઓપરેશન, ૨૩ સારવાર હેઠળ

રાજ્ય સરકારના બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ અનેક બાળકોને નિ:શુલ્ક સારવાર થકી નવજીવન મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ કાર્યરત ટીમો દ્વારા જિલ્લાના બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી તેમને વિનામૂલ્યે સારવારનો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આજથી એક વર્ષ પહેલાં તા.૨૭.૦૭.૨૦૨૪ ના રોજ મજુરીકામ કરતા મુકેશભાઇ સવસદિયાના પરિવારમાં બાળકનો જન્મ થયો હતો. બાળકના પિતા અને પરીવારજનોએ ખૂબ જ હરખભેર તેનું નામ ગૌરવ પાડ્યું. આડોશી-પાડોશી તથા સગા-વ્હાલાં સૌ કોઈ ગૌરવને રમાડવા ખૂબ જ વ્હાલથી ઉંચકી લેતા, પરંતુ બાળકના હોઠ અને તાળવું તુટેલ હોય તે જાેઇ દીકરાના માતા-પિતા અત્યંત દુ:ખી થઇ જતાં. બાળકનો જન્મ થયો ત્યારે તેને રાજકોટમાં પી.ડી.યુ.હોસ્પિટલના સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ કરી બાળકની સારવાર કરી તા.૦૨.૦૮.૨૦૨૪ના રોજ તેને રજા (ડીસ્ચાર્જ) આપવામાં આવી હતી.તા ૦૩.૦૮.૨૪ ના રોજ આર.બી.એસ.કે.ની ટીમે આ બાળકના ઘરની વિઝીટ દરમ્યાન જણાયું હતું કે, આ બાળક જન્મથી જ ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ (હોઠ અને તાળવું તુટેલ)ની ખામી ધરાવતો હોવા છતાં બાળકને ફીડીંગ કરવામાં કંઇ તકલીફ નહોતી. આર.બી.એસ.કે. ટીમના ડો.અશ્વિન પનારા અને ડો. પાયલ સખીયાએ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક ગૌરવના પરિવારને ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ (હોઠ અને તાળવું તુટેલ)ની ખામી, તેની સારવાર અને સર્જરી વિષે સમજાવવાના પ્રયત્નો કર્યા હતા.સમયસર સારવાર કરાવવામાં આવે તો આવા અનેક બાળકોને ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટની ખામી દુર થઈ ગયા હોવાના કિસ્સાઓ- દાખલાઓ પણ તેમને સંભળાવ્યા, કાઉન્સેલિંગ કરતાં ગૌરવના માતા-પિતાને હિંમત આપવામાં આવી કે ઈલાજ અને સારવારથી ગૌરવ ખૂબ જ ઝડપથી અન્ય બાળકોની જેમ સુંદર દેખાતો અને જમતો થઈ જશે. પરંતુ તેમને જ્યારે ખબર પડી કે ગૌરવની આ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થાય તેમ છે, ત્યારે ગૌરવના પિતાને મજુરીમાંથી મળતી વાર્ષિક ૫૦ હજાર જેટલી આવકમાંથી આવડો મોટો સારવારનો ખર્ચ કઈ રીતે પોસાય તેની ચિંતા પેઠી… આર.બી.એસ.કે. ટીમે ગૌરવના પરિવારને ફરી સમજાવ્યું કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે, સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે જેથી તેમણે કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, આ સાંભળી ગૌરવના પરિવારને હાશકારો થયો અને ગૌરવને ધ્રુવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો જ્યાં તા.૦૫.૦૩.૨૦૨૫ના રોજ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સર્જરી કરવામાં આવી હતી. ગૌરવના માતા-પિતાએ ખૂબ જ ભાવવિભોર થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય તંત્ર, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને તેની સાથે જાેડાયેલા તમામ તબીબો અને આર.બી.એસ.કે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે. દ્વારા એપ્રિલ – ૨૦૨૪ થી ૧૫ માર્ચ – ૨૦૨૫ સુધીમાં સ્ક્રીનીંગ કરતાં ૩૪ બાળકોને કલેફટ લીપ અને પેલેટની તકલીફ જાેવા મળી હતી. જેમાં હાલ સુધીમાં ૧૧ બાળકોના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે તેમજ ૨૩ બાળકો હાલ સારવાર હેઠળ છે. આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીથી વધુને વધુ બાળકોને લાભ થાય તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શનમાં વખતો વખત બેઠકો યોજી કાર્યક્રમનું આયોજન, ટીમને માર્ગદર્શન આપી સમયાંતરે મુલ્યાંકન કરવામાં આવે છે.
આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી

error: Content is protected !!