ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માસમાં લેવામાં આવેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના આજરોજ જાહેર થયેલા રીઝલ્ટમાં સમગ્ર રાજ્યના ૮૩.૦૮% સાથે દ્વારકા જિલ્લાનું પણ નોંધપાત્ર ૮૩.૪૮ % રિઝલ્ટ આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩ ના ૬૭.૨૯% અને વર્ષ ૨૦૨૪ ના ૭૯.૯૦% રીઝલ્ટ માં ઉતરોતર વધારા સાથે જિલ્લાનું ૮૩ ૪૮% પરિણામ જાહેર થયું છે. ધોરણ ૧૦ માં નોંધાયેલા કુલ ૭૯૫૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૦૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે ૯૮૩ વિદ્યાર્થીઓએ એ-૨, ૧૪૯૦ વિદ્યાર્થીઓએ બી-૧, ૧૭૮૦ વિદ્યાર્થીઓએ બી-૨, ૧૪૫૭ વિદ્યાર્થીઓએ સી-૧, ૫૯૦ વિદ્યાર્થીઓએ સી-૨ અને ૩૯ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે. આ સાથે ગત વર્ષે જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી ૧૯ શાળાઓની સંખ્યા સામે આ વખતે ૬ નો વધારો થતાં જિલ્લાની ૨૫ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જ્યારે એક શાળાનું પરિણામ ૦% આવ્યું છે. ખંભાળિયા તાલુકાના નોંધાયેલા કુલ ૨૯૫૩ પૈકી ૮૫.૩૭ ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગત વર્ષે આ ટકાવારી ૭૪૮ ની હતી. આ સાથે ભાણવડ તાલુકાનું પરિણામ ૮૪.૧૦ %, દ્વારકા તાલુકાનું પરિણામ ૭૪.૯૩%, રાવલનું પરિણામ ગત વર્ષના ૮૮.૭૫% ની સાપેક્ષમાં ૧૪.૪૦% જેટલા ઘટાડા સાથે ૭૪.૩૫%, મીઠાપુરનું પરિણામ ૭૩.૩૧% ભાટિયાનું પરિણામ ૯૦.૨૪ %, કલ્યાણપુર તાલુકાનું પરિણામ ૭૯.૮૧% અને નંદાણા કેન્દ્રનું પરિણામ ૯૨.૬૫ % આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લાનું કુલ સરેરાશ પરિણામ ચાર ટકા જેટલું ઊંચું તેમજ ૧૦૦% પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ ૬ નો વધારો થતા આ ઉજવળ પરિણામ બદલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણવિદોને જિલ્લા શિક્ષણ તંત્ર તેમજ જિલ્લા કલેકટર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.