પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયા વિવિધ કાર્યક્રમો

0

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણ જતનના શપથ લેવડાવી વોકાથોનનો પ્રારંભ કરાવી રેલવે સ્ટેશનમાં સફાઈ અભિયાનમાં જાેડાયા : પોરબંદરમાં વૃક્ષારોપણ, ફિટનેશ વોકાથોન અને સફાઈ અભિયાનનું આયોજન કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી અન્વયે ભારત સરકાર દ્વારા “એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ જાહેર કરવામાં આવેલ છે. તે અનુસંધાને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે જાગૃતિ સર્જવા માટે તા.રર મેથી ૫ જૂન ૨૦૨૫ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંયુકત ઉપક્રમે વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે મેદસ્વિતા મુક્તિ અભિયાન, પ્લાસ્ટિક ફ્રી કેમ્પેઇન, વૃક્ષારોપણ, ફિટનેશ વોકાથોન અને સફાઈ અભિયાનના કાર્યક્રમો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયા હતા. પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાની વાતમાં પર્યાવરણના જતન માટે નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે લોકોને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને હરિત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે તમામ ઉપસ્થિત લોકોને સ્વચ્છતા જાળવવા, વૃક્ષોનું જતન કરવા, સ્વચ્છ પાણી તેમજ પ્રાકૃતિક સ્ત્રોતોના રક્ષણ માટે નિશ્ચયબદ્ધ થવા માટે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા નથી પરંતુ જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવા માટેના છે અને તેનો સંકલ્પ થવો જાેઈએ. પોરબંદરના ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ રીતે ‘પ્લાસ્ટિક મુક્ત ભારત‘ તથા ‘મેદસ્વિતા મુક્ત ભારત‘ જેવા મહત્વપૂર્ણ અભિયાનો દેશવ્યાપી સ્તરે અમલમાં મુકવામાં આવ્યા છે. આ અભિયાનોના પ્રત્યક્ષ અનુસંધાનમાં પોરબંદર જિલ્લામાં પણ ફિટનેસ વોકાથોન, સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે આ પ્રકારના મુદ્દાઓ પર સજાગ રહીને સક્રિય ભૂમિકા ભજવીએ. વાતાવરણમાં વધતું વાયુ પ્રદૂષણ કે જળ પ્રદૂષણ – બંને પ્રકારના નુકસાન અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવી પર્યાવરણ જતનના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા જાેઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક પેડ મા કે નામ”ના સંકલ્પનો ઉલ્લેખ કરતા તેમણે આત્મસાત થઈને વૃક્ષારોપણની જવાબદારી પણ નિભાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પોરબંદર મહાનગર પાલિકાના ડે. કમિશનર હર્ષ પટેલ, જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ફોરેસ્ટ ઓફિસર તેમજ પોરબંદરના પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના પ્રતિનિધિઓ,લોકો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોકાથોન સહિતના કાર્યક્રમનું સંકલન મનીષભાઈ અને પ્રવિણાબેન પાંડાવદરા તેમજ રમતગમત કચેરીના સ્ટાફે કર્યું હતું.

error: Content is protected !!