વિશ્વ પર્યાવરણ દિવસ : વન કવચ થકી રાજકોટ જિલ્લાનો ૩૦ હેક્ટર વિસ્તાર બન્યો લીલોછમ્મ ; પર્યાવરણ સંરક્ષણર્થે ૨૩ હેક્ટર જમીનને નવપલ્લવિત કરતું જિલ્લા વહીવટી તંત્ર

0

એક લાખથી વધુ લહેરાતા રોપા થકી જિલ્લાના ગ્રીન કવરમાં થયો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ગ્રીન કવરેજ સતત વધી રહ્યું છે. હરિયાણા અને રળિયામણા ગુજરાતના વિઝન સાથે ગુજરાતમાં વન વિસ્તારનો પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વન કવચ દ્વારા એક વર્ષમાં ૩૦ હેક્ટર વિસ્તાર હરિયાળો બન્યો છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષે વન કવચ યોજના હેઠળ ૬ તાલુકાના સાત વિસ્તારમાં કુલ સાત હેક્ટર જમીન પર ૭૦ હજાર રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેમાં ગોંડલમાં એશિયાટિક કોલેજ પાછળ, ઉપલેટા તાલુકાના વડલા ગામે, વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ તેમજ ભડલી ગામે પડધરી તાલુકાના નાના સગડીયા ગામે જેતપુરમાં કેરાળેશ્વર મહાદેવ મંદિર પાસે તેમજ રાજકોટમાં કુવાડવા પાસે ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમામ વન ખાતે ૭૦,૦૦૦ જેટલા રોપાને ઉછેરતા આજે આ રોપાઓ એક વયસ્ક વ્યક્તિ જેટલા લાંબા થઈ ગયા છે. કલેકટર પ્રભવ જાેશીએ વર્ષ ૨૦૨૪મા જિલ્લાના ગ્રીન કવરમાં વધારો કરવા સામાજિક વનીકરણ વિભાગને ૨૩ હેક્ટર જેટલી જમીન પર્યાવરણ સંરક્ષણ હેતુ વન નિર્માણ માટે આપી રાજકોટને વધુ લીલુંછમ્મ કરવાનો નિર્ધાર કર્યો હતો. જેમાં રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે ૫ હેક્ટર જમીન પર ૮,૦૦૦ રોપા, વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામ અને સોમ પીપળીયા ગામના ઘેલા સોમનાથ ખાતે ૪-૪ હેક્ટર વિસ્તારમાં હેકટરદીઠ ૬૪૦૦ એમ કુલ ૧૨,૮૦૦ રોપા અને જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે ૧૦ હેક્ટર વિસ્તારમાં ૧૬,૦૦૦ રોપા મળી કુલ ૨૩ હેક્ટરમાં ૩૬,૮૦૦ રોપાઓ આજે લહેરાઈ રહ્યા છે. માત્ર એક વર્ષમાં જ રાજકોટ જિલ્લામાં ૩૦ હેક્ટર જમીન વનરાવનમાં રૂપાંતરિત થઈ છે ત્યારે વર્ષ ૨૦૨૫માં વન કવચ યોજના હેઠળ ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ૦૮ હેક્ટરમાં ૮૦ હજાર રોપા અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૦ હેક્ટરમાં ૧,૩૦,૦૦૦ મળીને કુલ ૨ લાખ ૧૦ હજાર રોપાઓનું વાવેતર કરી તેને ઉછેરવામાં આવશે, ત્યારે રાજકોટવાસીઓ આગામી ચોમાસામાં વૃક્ષારોપણની નાની પહેલ થકી રાજકોટને વધુ હરિયાળું બનાવવા સહકાર આપી શકશે જે માટે સામાજિક વનીકરણ વિભાગની નર્સરીઓમાંથી નજીવા દરે રોપાઓ મેળવી શકાશે.

error: Content is protected !!