રાજકોટ અને ગુજરાતનું ગૌરવ એવા પેરા એથ્લેટીક્સ અને કેનો કાયાકિંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે યોજાનાર પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ-૨૦૨૫ માં ભાગ લેવા જઈ રહ્યા છે. પેરા કેનો કાયકિંગમાં ભાગ લેનાર એક માત્ર ગુજરાતી પેરા ખેલાડી એવા સોનલ વસોયાએ આ પૂર્વે જાપાન ખાતે યોજાયેલી પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ વર્ષે ભોપાલ ખાતે ભારતના ૨૦ ખેલાડીઓના સીલેકશનમાં પણ ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી સોનલ વસોયાનું સિલેક્શન થયેલું છે. આગામી તા. ૧૨ થી ૧૫ જૂન દરમ્યાન યોજાનાર કેનો ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તેઓ ભોપાલથી દિલ્હી અને ત્યાર બાદ પટાયા ખાતે પહોંચી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ચેમ્પીયનશીપ પહેલાં સમુદ્રમાં તેઓ પેરા કેનોઇંગની પ્રેક્ટિસ કરશે. સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરી ભારત દેશને મેડલ અપાવી ગુજરાતનું ગૌરવ વધારવાનો સોનલબેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં તેઓએ ભોપાલ ખાતે આયોજિત ૧૮મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપ કેનો બોટમાં ૨૦૦ મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને કાયાકિંગ બોટમાં ૨૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.