જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી છોડનો ઉછેર થાય છે ૧૦ ગણો ઝડપી, પરંપરાગત જંગલો કરતાં હોય છે ૩૦ ગણાં ગીચ
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડો. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ વન કવચ શહેરી, ઉપ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીન આવરણ બનાવીને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. આનાથી વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન થાય છે અને ખેડૂતોની રોજગારીમાં પણ વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
વન કવચ પહેલ હેઠળ રાજ્યનો ૪૦૦ હેક્ટર વિસ્તાર ગાઢ જંગલોમાં થશે પરિવર્તિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વન કવચ પહેલનું સફળ અમલીકરણ થયું છે અને તેના પરિણામે પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો થયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં, ગુજરાતમાં ૮૫ સ્થળોએ ૧૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૨૪-૨૫માં ૧૨૨ સ્થળોએ વધુ ૨૦૦ હેક્ટર ક્ષેત્રમાં વન કવચ વિકસાવવામાં આવી રહ્યું છે. તો ૨૦૨૫-૨૬ માટે આ લક્ષ્ય ૪૦૦ હેક્ટરનું રાખવામાં આવ્યું છે. વન કવચ પહેલ હેઠળ ગુજરાતે વનીકરણ માટે આ નવીન અભિગમ અપનાવીને ગ્રીન ફ્યુચર અને ટકાઉ વિકાસ માટે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
પરંપરાગત જંગલોની સરખામણીમાં વધુ કાર્બન શોષે છે મિયાવાકી જંગલો
મિયાવાકી પદ્ધતિથી ઓછા સમયમાં એક મોટા વિસ્તારમાં વિશાળ જંગલ ઊભું કરી શકાય છે. આ જંગલો પ્રતિ હેક્ટર ૧૦,૦૦૦ સ્વદેશી રોપાઓ વાવીને વિકસાવવામાં આવે છે, જેમાં ૧ મીટર ટ ૧ મીટરના અંતરની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી બનતું ગાઢ જંગલ પરંપરાગત વાવેતર કરતાં ૧૦ ગણું ઝડપી વિકાસ પામે છે અને તે ૩૦ ગણાં વધુ ગીચ હોય છે. એકબીજાથી નજીક વાવવાને કારણે આ રોપાઓ જાણે સૂર્યપ્રકાશ મેળવવા માટે સ્પર્ધા કરતા હોય તેમ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેનાથી એક મોટા છત્ર જેવો આકાર બને છે. આ આવરણને કારણે નીંદણને નિયંત્રિત કરી શકાય છે અને જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોવાથી છોડનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આ પદ્ધતિથી ઊગેલાં વૃક્ષ પરંપરાગત જંગલોની સરખામણીમાં વધુ કાર્બન શોષે છે અને વાતાવરણમાં રહેલાં પ્રદૂષણને ઘટાડે છે. એટલું જ નહીં, પરંપરાગત જંગલોને પરિપક્વ થવામાં સદીઓ લાગે છે, જ્યારે વન કવચ ફક્ત ૨૦થી ૩૦ વર્ષમાં ગાઢ બની જાય છે. પર્યાવરણીય લાભો ઉપરાંત, વન કવચ સામાજિક જાેડાણ અને ઇકો-ટુરિઝમને પણ પ્રોત્સાહન આપે છે. આ વન કવચમાં વન કુટિર, બાળકો માટે રમતગમત ક્ષેત્ર અને રળિયામણાં સ્થળોનો સમાવેશ થાય છે, જે વૃક્ષો અને જૈવવિવિધતાના મહત્વ વિશે જનજાગૃતિ વધારવામાં મદદ કરે છે. આ પદ્ધતિથી ઊભાં કરવામાં આવેલા જંગલોથી પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓનું જતન થાય છે અને નાનાં સસ્તન પ્રાણીઓને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત, કેટલાંક ખેડૂતો મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને સારું વળતર પણ મેળવી રહ્યા છે.
વન કવચ પહેલ દ્વારા શહેરી વનીકરણ મામલે ઉદાહરણરૂપ બન્યું ગુજરાત
પર્યાવરણને વધુ સુંદર બનાવવા માટેની ગુજરાતની વન કવચ પહેલ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે. મિયાવાકી પદ્ધતિથી બિનફળદ્રુપ કે પડતર જમીન પર વૃક્ષો ઉગાડી શકાય છે તેથી રાજ્યમાં વન કવચ પહેલ વેગ પકડી રહી છે. સ્થાનિક ઓથોરિટી મિયાવાકી જંગલોના વિકાસ માટે જમીન અને સંસાધનોની ફાળવણી કરી રહી છે. અમદાવાદથી માંડીને સુરત સુધી વિસ્તરી રહેલા વન કવચ હવાની ગુણવત્તામાં સુધારો કરી રહ્યા છે અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનું કામ પણ કરી રહ્યા છે. વન કવચથી શહેરી વનીકરણ બાબતે ગુજરાત અગ્રેસર બન્યું છે અને પ્રતિબદ્ધતા અને નવીન અભિગમ સાથે શહેરો પણ લીલાંછમ બની શકે છે એ સાબિત કરી બતાવ્યું છે.