જિલ્લાના ૫૦ હજારથી વધુ પરિવારો, વાણિજ્ય તથા ઔદ્યોગિક એકમો, કૃષિને અવિરત ગુણવત્તાયુક્ત વીજપૂરવઠો મળશે
રાજકોટ જિલ્લાના શહેરી, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું રૂપિયા ૨૩૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૬ જૂનના રોજ આ સબ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે. આ નવા સબસ્ટેશનો થકી જિલ્લાના ૫૦ હજારથી વધુ પરિવારો, વાણિજ્ય તથા ઔદ્યોગિક એકમો, ખેડૂતો અવિરત ગુણવત્તાયુક્ત વીજપૂરવઠાથી લાભાન્વિત થશે. રાજ્ય ઊર્જા પરિવહન નિગમ દ્વારા રાજકોટમાં રૂા.૨૫.૦૭ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના ભક્તિનગર સબ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. ૪૦ એમ.વી.એ.ની ક્ષમતાવાળા આ સબસ્ટેશનના કાર્યરત થવાથી રાજકોટ શહેરી વિસ્તારના ભક્તિનગર સબસ્ટેશનની આજુબાજુના આશરે ૯૧૩૬ ગ્રાહકોને ફાયદો થયો છે. રાજકોટ તાલુકામાં રૂા.૫૨.૫૫ કરોડના ખર્ચે નવું ૬૬ કે.વી. કોપરસેન્ડ સબસ્ટેશન બનાવાયું છે. જેના લીધે રાજકોટ શહેરી વિસ્તારના આ સબસ્ટેશનની આજુબાજુના આશરે ૧૧,૨૩૫ ગ્રાહકોને ફાયદો થયો છે. તાલુકામાં રૂા.૩૨.૩૫ કરોડ ૬૬ કે.વી.ના કેસરી સબ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. જેના લીધે આજુબાજુના આશરે ૭૨૮૩ ગ્રાહકોને ફાયદો થયો છે. ઉપરાંત રૂા.૩૮.૦૧ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી. મેરીગોલ્ડ સબ સ્ટેશનથી આ વિસ્તારના આશરે ૧૪૦૨૩ ગ્રાહકોને ફાયદો થયો છે. જ્યારે રૂા.૬૩.૮૯ કરોડના ખર્ચે બનેલા ૬૬ કે.વી.ના મિત્તલ પાર્ક સબ સ્ટેશનથી આજુબાજુના આશરે ૪૯૫૬ ગ્રાહકોને ફાયદો થયો છે. ગોંડલ તાલુકાના રીબડામાં રૂા.૧૬.૦૯ કરોડના ખર્ચે ૬૬ કે.વી. રીબડા સબ સ્ટેશન બનાવાયું છે. જેના થકી ગોંડલ તાલુકાના રીબડા, વેરાવળ તથા પીપળીયા ગામ વિસ્તારના આશરે ૪૫૦૦ ગ્રાહકોને ફાયદો થયો છે. કોટડા સાંગાણીના લોઠડામાં રૂ. ૧૦.૧૫ કરોડના ખર્ચે બનાવાયેલા સબ સ્ટેશનથી આજુબાજુના આશરે ૯૬૬ ગ્રાહકોને ફાયદો થયો છે. આ બધા સબ સ્ટેશનોથી શહેરી વિસ્તારના રહેણાંક તથા ઔદ્યોગિક, વાણિજ્ય તથા કૃષિ વિસ્તારને અવિરત વીજ પુરવઠો પૂરો પાડી શકાશે તથા હયાત અને નવા વીજ કનેક્શનોની વધારાની વીજમાંગ સંતોષી શકાશે.