મનપાના રાજમાં પ્રજા દુ:ખી, દુ:ખી : કડીયાવાડમાં ગટરની કામગીરીને લઈને લોકો ત્રાહિમામ

0

ચોમાસા પહેલા જાે કામ પુરૂ નહી થાય તો ભયંકર સ્થિતિ થશે : લોકોમાં તીવ્ર આક્રોશ

જૂનાગઢ શહેરમાં કાળવા ચોક નજીક આવેલ કડીયાવડ વિસ્તારમાં ગટરની કામગીરીને લઈને ઘણા દિવસો થયા રસ્તો ખોદાયેલો છે અને જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા દ્વારા શરૂ થયેલી આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવે અને ખાસ તો ચોમાસુ શરૂ થાય તે પહેલા જાે કામગીરી પૂર્ણ નહી થાય તો આ વિસ્તારમાં સ્થાનિકોને રહેવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ સર્જાશે તેવો ભય સેવવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ મનપાનું અત્ર, તત્ર અને સર્વત્ર મનાતું તંત્ર આડેધડ કામગીરી માટે વગોવાયેલું છે. આટલી, આટલી ફરિયાદો હોવા છતાં આ નિંભર તંત્રને કોઈ જાતની શરમ ન હોય તેમ જૂનાગઢ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કાંઈકને કાંઈક કામગીરીને લઈને ખોદકામ ચાલતું જ રહે છે. હવે આ ખોદકામને કારણે રસ્તાઓની હાલત સાવ વોકળા જેવી બની ગઈ છે. આડા દિવસે પણ જે માર્ગ ઉપર નીકળી શકાતું નથી ત્યારે ચોમાસામાં તો કઈ રીતે નીકળાય તેવો સવાલ ઉઠી રહ્યો છે. આવા તો અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં ખોદકામ, અધુરા કામો અને નવા રસ્તાના કોઈ ઠેકાણા નહીની સ્થિતિ વચ્ચે લોકોની હાલત કફોડી છે. જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલા કડીયાવડની હાલત આજે ખુબ ખરાબ થઈ છે. વાત જાણે એમ છે કે આ વિસ્તારમાં ગટરની કામગીરીને લઈ ઘણા દિવસોથી મુખ્ય રસ્તો ખોદી કાઢવામાં આવેલ છે અને હાલ કુંડી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મુરલીધર લોજની બાજુની ગલીમાં સીધા જ કડીયાવાડના માર્ગ ઉપર કામ ચાલી રહ્યું છે. ઉપરાંત કડીયાવાડથી જવાહર રોડ ઉપર જવાના માર્ગ ઉપર પણ ખોદકામ અને કામગીરી ચાલું છે. જૂનાગઢનો કઠીયાવડ વિસ્તાર એટલે ‘શાકભાજી’ની ખરીદી માટેનું માર્કેટ છે જ્યાં શાકભાજીના વેપારી, દુકાનદારો, રેકડીધારકો અને શાકભાજી વેંચતા સંખ્યાબંધ ધંધાર્થીઓ રોજગારી મેળવે છે અને કડીયાવાડ શાક માર્કેટમાં શહેરના દુર-દુર વિસ્તારમાં રહેતા લકો પણ શાકભાજીની ખરીદી માટે કડીયાવાડ આવતા હોય છે. મોટાભાગે લોકોને શાકભાજીની ખરીદી કરવી હોય તો કઠીયાવાડ શાક માર્કેટમાંથી જ ખરીદે અને જેને લઈને કડીયાવાડ શાક માર્કેટ ટ્રાફિકથી ધમધમતી રહે છે. આ ઉપરાંત અન્ય વ્યવસાય કારોની પણ દુકાનો આવેલી છે. શાકભાજી અને વેપારની દ્રષ્ટીએ પણ કડીયાવાડ વિસ્તારમાં લોકોની સતત અવરજવર રહે છે એવા આ વિસ્તારમાં ગટઠરના કામને લઈને મુખ્ય રસ્તાઓ ખોદી નાખેલ છે જેના કારણે અહીના રહેવાસીઓ, નાના ધંધાર્થીઓ અને ખરીદી કરવા માટે આવતા લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારના રહેવાસીઓની હાલત તો એવી છે કે ઘર પાસે જ ખોદી નાખવામાં આવેલા ખાડાઓને કારણે ખુબ જ સાવચેત રહેવું પડે છે. જાે ધ્યાન ન રાખવામાં આવે તો ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે. ગટરની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવે તેવી લાગણી સ્થાનિકોની છે અને જાે ચોમાસાનો વરસાદ વરસવા પડશે તો ખુબ જ કફોડી સ્થિતિ થવાની છે તેવો ભય સેવવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!