વેરાવળમાં જલારામ મંદિરે આંબા મનોરથ યોજાયો, પુ.જલારામ બાપાના ચરણોમાં ૩૦૧ કીલો કેસર કેરી ધરવામાં આવી

0

કેસર કેરીના મનોરથ માટે કરાયેલ અદભુત શણગારના દર્શન કરી જલાભકતો ભાવવિભોર બની ગયા

વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પુ.જલારામ બાપાને ૩૦૧ કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી જલાભક્તો ભાવવિભોર બની ગયા હતા. આજે ગુરૂવાર હોવાથી રાત્રીના મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ધુન-ભજનની રમઝટ બોલાવી મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે ભીમ અગિયારસ પર્વે કેસર કેરીઓ મંદિર-હવેલી સહિતના ધાર્મિક સ્થાનોએ ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનું માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે. ત્યારે દર વર્ષે ભીમ અગિયારસની નજીકના દિવસોમાં વેરાવળમાં મોટી શાકમાર્કેટ પાસે આવેલ જલારામ મંદિરએ પણ અલોકિક આંબા મનોરથનું આયોજન કરાય છે. જે મુજબ આજે સવારે મંદિરે પૂ.જલારામ બાપાના ચરણોમાં વિશ્વમાં પ્રખ્યાત એવી ગીરની ૩૦૧ કીલો કેસર કેરી ધરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ ૩૦૧ કીલો જેટલી કેરીઓ બાપાના ચરણો અને પરીસરમાં સુવ્યવસ્થિત રીતે સજાવટ સાથે ગોઠવીને પાંચેક કલાકની મહેનત બાદ અલોકિક શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી રાત્રીના દસ વાગ્યા સુધી આંબા મનોરથ શણગારના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવેલ હતા. આ અલોકિક શણગારના દર્શન કરી જલાબાપાના ભકતો ઘન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા. બાદ રાત્રીના મંદિર ખાતે ધુન- ભજનની રમઝટ બોલાવ્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત જલાભક્તોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી. આજે મનોરથમાં ધરાયેલ ૩૦૧ કિલો કેરી આવતીકાલે પ્રસાદીરૂપે જલા ભક્તોને આપવામાં આવશે તેવું મંદિરના સેવકો પાસેથી જાણવા મળેલ છે. આ અંબા મનોરથમાં સવારથી સ્વયંસેવકોએ મંદિરની સજાવટ કરવાથી લઈને કેરીઓને સુંદર રીતે ગોઠવવામાં સેવા આપી હતી.

error: Content is protected !!