ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા જાહેર થઈ છે ત્યારથી જ રાજકીય ગરમાવો આવ્યો છે અને તેમાં પણ ગત પહેલી તારીખે જ્યારે ભાજપા અને કોંગ્રેસે પોતાનાં ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી એક અલગ જ માહોલ ઉભો થયો છે અને તેમાં પણ હાઇ પ્રોફાઇલ સીટ એટલે વિસાવદર વિધાનસભાની સીટ. વિસાવદર વિધાનસભામાં હાલની પરિસ્થિતિ જોતા અને ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત ઉમેદવાર કીરીટ પટેલનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં એક અદભુત ઉત્સાહ જોવાં મળી રહ્યો છે અને સ્વયંભૂ રીતે નજીકથી અલગ અલગ વિસ્તારોનાં કાર્યકરો પ્રચાર માટે ઉમટી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા વિસાવદર શહેરનાં ઇન્ચાર્જ તરીકે પુનિતભાઇ શર્મા અને ગૌરવભાઇ રૂપારેલિયાને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી જૂનાગઢ મહાનગરનાં કાર્યકરોમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સ્વયંભૂ રીતે દરેક કાર્યકરોએ વિસાવદરની જવાબદારી સ્વીકારી અને છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ મહાનગરનાં બંને આગેવાનોનાં માર્ગદર્શન હેઠળ કાર્યકરો ઉમંગભેર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં ૮૭ વિસાવદર વિધાનસભામાં વિસાવદર મુકામે ૩૦ જેટલી જ્ઞાતિઓના આગેવાનોને બોલાવી એક બેઠકનું આયોજન કરેલ હતું. જ્યારે વિસાવદર કોંગ્રેસના પુર્વ પ્રમુખ મનીષભાઈ રિબડીયા તેના સમર્થકો, કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરી આ વખતે કિરીટભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા સર્વે સમાજે વચન આપેલ હતું. વિસાવદર શહેર ખાતે વિસાવદર વિધાનસભા સીટનાં ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, વિસાવદર શહેરનાં ઇન્ચાર્જ પુનિતભાઇ શર્મા, પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, જૂનાગઢ મહાનગર પાલિકા મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઇ કટારા, આગેવાનોમાં યોગીભાઇ પઢીયાર, ઓમભાઇ રાવલ, જ્યોતીબેન વાડોલીયા દરેક મોરચાનાં પ્રમુખ મહામંત્રી સહિત હોદેદારો કોર્પોરેટરો આગેવાનો તેમજ કાર્યકરો વિસાવદરનાં દરેક વોર્ડમાં ફરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.