દ્વારકાની ગોમતી નદીમાં યાત્રાળુ તરૂણીનું ડૂબી જતા અપમૃત્યું : અરેરાટી

0

ગોમતીઘાટ પર નાહવા પડેલા છ વ્યક્તિઓ સાથે દુર્ઘટના : થોડા સમયથી ગોમતીમાં ડુબવાના બનાવો વધ્યા

દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ડૂબી જવાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસ અગાઉ ૮૫ વર્ષના એક વૃદ્ધે પણ ન્હાવા જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ગઈકાલે ગોમતીમાં છ જેટલા લોકો નાહવા પડતા ડૂબવા લાગ્યા હતા અને એક તરુણીનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દરિયાની અંદર લો પ્રેશર સર્જાતા પાણીમાં કરંટ વધી જાય છે. જેથી દરિયા અંદર તેમજ ગોમતીના પાણીના પ્રવાહમાં તેજ ગતિ હોય છે. બહારગામથી આવતા યાત્રીકો આ બાબતે અજાણ હોય અને ગોમતી નદીમાં નાહવા પડતા, તેમાં તણાવા લાગે છે અને જેમા અનેક વખત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ રીતે ગઈકાલે ગુરુવારે દ્વારકામાં દર્શનાર્થે આવેલ જામનગરના કેટલાક પરિવારજનોમાં છ જેટલા લોકો ગોમતી નદીમાં ન્હાવા ઉતર્યા હતા. થોડી જ વારમાં આ લોકો ગોમતીના સામે પાર પાણીના વહેણમાં ડુબવા લાગ્યા હતા. આથી ઘાટ ઉપર રહેલા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર આવે તેની સાથે સ્થાનિક લોકો તેમજ એક ઉંટ ચાલક ગોમતીના પાણીમાં આ તમામ લોકોને બચાવવા ગયા હતા. અહીં તરવૈયાઓ વિગેરેની અથાગ જહેમત બાદ આ તમામ યાત્રાળુઓને ગોમતીના પાણીમાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભાગ્યેશ્વરી નામની આશરે ૧૬ વર્ષની તરૂણીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ ઉપરાંત અન્ય બે મહિલાઓ ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ કરૂણ બનાવે યાત્રાળુ પરિવારમાં શોકની લાગણી પ્રસરાવી છે.

error: Content is protected !!