શાંતિ નિકેતન વિસ્તારમાં શોક સાથે અરેરાટી
ખંભાળિયામાં રહેતા એક યુવાને તેમની ભાવી પત્ની સાથે રાત્રિના સમયે ફોનમાં વાત કરતા કરતા વિડીયો કોલ કરીને પોતે ગળાફાંસો ખાઈ લીધાનો ચર્ચાસ્પદ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ કરૂણ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા રાકેશ દીપકભાઈ ગોહિલ નામના આશરે ૨૮ વર્ષના યુવાન કે જે ખંભાળિયા નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે કામ કરી રહ્યા હતા, તેમની સગાઈ આશરે ૨૫ દિવસ પૂર્વે પોરબંદર ખાતે થઈ હતી. વધુ વિગત મુજબ રાકેશની ભાવિ પત્નીના બહેનની સગાઈ પણ રાકેશના ઘરથી થોડે જ દૂર રહેતા સાહિલ નામના એક યુવાન સાથે થઈ હતી. આમ બંને સાઢુભાઈ થોડા-થોડા અંતરે જ રહેતા હતા. આ વચ્ચે શુક્રવારે રાત્રિના આશરે ૧૧:૩૦ થી ૧૧:૪૫ વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન રાકેશના માતા કે જેઓ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે, તેઓ ઘરે ન હતા અને પિતા દીપકભાઈ બહારના ભાગે સૂતા હતા. ત્યાં એકાએક રાકેશનો સાઢુભાઈ સાહિલ દીપકભાઈ પાસે આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે “જલ્દી દરવાજાે ખોલો રાકેશ ગળાફાંસો ખાઈ રહ્યો છે.” આથી હતપ્રભ બનેલા દીપકભાઈએ યેનકેન પ્રકારે બંધ રહેલો દરવાજાે ખોલતા રાકેશને ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં લટકતો જાેવા મળ્યો હતો. વધુ વિગત મુજબ રાત્રિના સમયે ભાવી પત્ની સાથે ફોનમાં વાત કરતા રાકેશે વિડીયો કોલ કરીને પોતે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેના સાસુએ બીજા ભાવિ જમાઈ સાહિલને રાકેશના ઘરે મોકલ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. રમુજી અને સરળ સ્વભાવનો રાકેશ તેમની બે બહેનોનો એકનો એક ભાઈ અને પિતા દીપકભાઈનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કયા કારણોસર રાકેશે આ પગલું ભર્યું તે અંગે પણ ચર્ચાઓ જાગી છે. આ બનાવે મૃતકના પરિવારજનો સાથે શાંતિ નિકેતન સોસાયટી વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. આ ઘટના સંદર્ભે રાકેશે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધાની જાણ મૃતકના પિતા દીપકભાઈ રામજીભાઈ ગોહિલએ અહીંની પોલીસને કરી છે.