માનવ જીવનના જુદા જુદા આયામો દ્વારા સુખમય જીવનના થયા દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા પુરૂષાર્થ વિદ્યાનિકેતન ખાતે તાજેતરમાં મધ્યસ્થ દર્શન સહ અસ્તિત્વવાદ આધારિત પાંચ દિવસીય રેસીડેન્સીયલ જીવનવિદ્યા પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ જેટલા શિક્ષકો, ૩૦ જેટલા જન સમાજના લોકો અને ૨૭૫ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ મળીને ૩૬૫ જેટલા શિબિરાર્થીઓએ આ અદભૂત શિબિરનો લાભ લીધો હતો. આ શિબિરમાં માનવ જીવનના વિવિધ આયામો જેવા કે સમજ, વિચાર, વ્યવહાર અને કાર્યને સમજણપૂર્વક જીવનમાં કેવી રીતે જીવવા તેનું ઊંડાણપૂર્વક સમજૂતી સાથે નિરંતર સુખની યાત્રા કેવી રીતે જીવી શકાય તેની અનુભૂતિ જીવનવિદ્યા પરિચય શિબિરના પ્રબોધક જયભાઈ પટેલ દ્વારા દરરોજના ચાર સત્રમાં રસપાન કરવામાં આવ્યું હતું. માનવ જીવનના આયામોમાં નિરંતર સુખની આરાધના દ્વારા એક ઉત્તમ સમાજનું નિર્માણ થઈ શકે તેવી સચોટ સમજ મધ્યસ્થ દર્શન – સહ – અસ્તિત્વવાદમાં દર્શાવવામાં આવેલ છે. જે પુરૂષાર્થના આંગણે પાંચ દિવસ જુદા જુદા સત્રો અને ચર્ચા – વિમર્શ માટે માટે ગોષ્ઠિ દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટી અને અમદાવાદની આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કુલ અમદાવાદ સહયોગી બની હતી.