ખંભાળિયા પંથકમાં તાજેતરમાં નોંધાયેલા કોરોનાના કેસો તેમજ રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં વધતા જતા કોવિડ કેસોને અનુલક્ષીને ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે લોકોને વિનામૂલ્ય માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અહીં યોજાયેલા નેત્ર નિદાન, સારવાર કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને સંચાલક મંડળ તેમજ તબીબો દ્વારા કોરોના વિશે માર્ગદર્શન આપી, જાગૃતિ કેળવવા સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી, તત્કાલીન પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી સાથે ટીમના વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ, રામભાઈ નકુમ વિગેરે દ્વારા આ સેવા પ્રવૃત્તિમાં સહભાગી થઈ લોકોને જાગૃતિ માટે અપીલ કરાઈ હતી. સંસ્થાની આ ઝુંબેશ લોકોમાં આવકારદાયક બની રહી હતી.