“ક્ષયમુક્ત ભારત”નું અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ હેઠળ ૧૪૫ દિવસમાં ૩૫૬ કેસ ડિટેક્ટ થયા

0

૭૭૨ દર્દીઓના બેંક ખાતામાં કુલ રૂા.૩૪.૨૯ લાખ જમા કરાયા : કુલ ૧૧૯૨ પોષણ કિટનું વિતરણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં આરંભ કરેલા “ક્ષય નિમૂર્લન કાર્યક્રમ” અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૫ની સાપેક્ષે વર્ષ ૨૦૨૩માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં ૩૪% અને મૃત્યુદરમાં ૩૭%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને બિરદાવતા કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને ‘સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ‘ શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું છે. રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ટી.બી. (ટ્યુબરક્યુલોસીસ)ના દર્દીઓની શ્રેષ્ઠત્તમ સારવાર અર્થે સતત પ્રયત્નશીલ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમગ્ર ભારતને ક્ષયમુક્ત બનાવવાના નિર્ધારને પૂર્ણ કરવાના આશયથી ગત તા. ૦૭ ડીસેમ્બર, ૨૦૨૪થી ગત તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી સઘન ટી.બી. નિર્મૂલન ઝુંબેશ ચલાવાઈ હતી. જે અન્વયે રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ક્ષય નિર્મૂલન ઝુંબેશ હેઠળ ૧૪૫ દિવસમાં ૧,૫૨,૬૦૩ હાઇ રિસ્ક લોકોનું સ્ક્રીનીંગ કરાયું હતું, જે પૈકી ૫૧,૮૪૨ લોકોના ફેફસાંનો એક્સ-રે કરાયો હતો, જ્યારે ૨૦,૨૪૪ લોકોના ગળફાંની તપાસ કરાઈ હતી. જે પૈકી ૩૫૬ લોકોને ક્ષય હોવાનું નિદાન થતાં હાલમાં તેઓ સારવાર લઈ રહ્યાં છે.
માસિક રૂા.૧૦૦૦ની સહાય
ભારત સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા નિક્ષય પોષણ યોજના હેઠળ દર મહિને રૂા.૧૦૦૦ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી દર્દીના ખાતામાં જમા કરવામાં આવે છે. રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર હેઠળ સારવાર લેતાં ૭૭૨ દર્દીઓને ગત તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૪થી ગત તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં કુલ રૂા.૩૪,૨૯,૦૦૦ની સહાય અપાઈ હતી.
પોષણ કિટ વિતરણ
રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતાના માર્ગદર્શન મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ‘પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત અભિયાન‘ હેઠળ નિક્ષય મિત્ર (દાતાઓ)ના સહયોગથી ગત તા.૭ ડિસેમ્બર, ૨૦૨૪થી ગત તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં ટી.બી. દર્દીઓને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા કુલ ૧૧૯૨ પોષણ કિટનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે પોષણ કીટમાં અનાજ, કઠોળ, દાળ, દૂધ સહિતના પૌષ્ટિક પદાર્થોનો સમાવેશ કરાય છે.
કેન્દ્ર સરકાર ક્ષયથી થતાં મૃત્યુને ઘટાડવા પ્રયાસશીલ
કેન્દ્ર સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓને સ્વસ્થ કરવા અને ક્ષયથી થતાં મૃત્યુને ઘટાડવાના હેતુસર પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટી.બી. નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજાેખમી (હાઇ રિસ્ક) અને ઓછા જાેખમી (લો રિસ્ક)ની શ્રેણીમાં વિભાજીત કરાય છે. અતિજાેખમી ક્ષયના દર્દીઓની સારવાર માટે સબ ડિસ્ટ્રીક્ટથી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સુધી ગુણવત્તા ધરાવતી સારવાર ઉપલબ્ધ કરાવાય છે. દવા શરૂ થવાના ૧૫ દિવસ બાદ અને ત્યારબાદ ૦૨ મહિના પછી સમગ્ર સ્થિતિનું મુલ્યાંકન કરાય છે. ૦૬ મહિનાની દવાનો કોર્સ પૂર્ણ થયા બાદ દર્દીની ટ્રૂનેટ(્િેીદ્ગટ્ઠં)થી બલગમના ટેસ્ટ સાથે એક્સ-રે આધારિત મૂલ્યાંકન પણ કરાય છે. આમ, રાજ્યના નાગરિકોના આરોગ્યની જાળવણી માટે ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.

error: Content is protected !!