જગતમંદિરેથી વાજતે-ગાજતે ચાંદીના બેડા, જારીજી લઈ ભદ્રકાલી મંદિર પરીસરમાં અધોર કુંડમાંથી પવિત્ર જલ ભર્યુ : જયેષ્ઠાભિષેક દરમ્યાન ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે :સાંજે જલયાત્રા મનોરથ ઉત્સવ
જગ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરે દર વર્ષેની જેમ બુધવારે જલયાત્રા ઉત્સવ ઉજવવામાં આવશે. ઉત્સવની પૂર્વ સંધ્યાએ એટલે મંગળવારના પરંપરાગત રીતે જલયાત્રાની તૈયારી રૂપે પુજારી પરીવારની મહિલાઓ અને પુરૂષો જગત મંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લઈ દ્વારકાના ભદ્રકાલી મંદિર પરીસરમાં આવેલ અધોરી કુંડમાંથી પવિત્ર જલ ભરવા ગયા હતા. જ્યાં પાવન જલ ચાંદીના વાસણોમાં જલ ભરી પુજારી પરીવાર જગત મંદિરે લઈ ગયેલ હતા. આજે જલનું પુજન વિધિ કરી જગતમંદિર ગર્ભચુષ્ટ પાસે પાવન જાળથી પુજારી પરીવારના પૂરૂષો દ્વારા શાબ્દો વિધીથી સાથે આજે સાંજે કુંડ(હોજ) ભરવામાં આવશે. શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને જુઈ, ચમેલી, મોગરા સહિતના પુષ્પ શણગાર કરી નાવમાં બેસાડવામાં આવશે. ત્યાર બાદ શ્રીજીને આજે સાંજે ઉત્થાપન બાદ જલયાત્રા (નાવ મનોરથ) દર્શન ૭:૦૦ થી ૯:૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે. વર્ષ દરમ્યાન ઠાકોરજીને બે વખત જ ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરાવામાં આવે છે. એક જન્માષ્ટમીના તેમજ જેઠ માસની પુનમના જયેષ્ઠાભિષેક દરમ્યાન ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે.
જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર
આજે બુધવારે જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબ સવારે ૬ કલાકે મંગલા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લાં પડદે સ્નાન સવારે ૮ થી ૯ સુધી યોજવામાં આવનાર છે. શૃંગાર આરતી તેમજ અનોસર(બંધ) નિત્યક્રમાનુસાર યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે તથા જલયાત્રા(નૌકાવિહાર) દર્શન સાંજે ૯:૩૦ સુધી યોજવામાં આવનાર છે.