જિલ્લામાં વાતાવરણ પલટાયું : વધુ વરસાદની સંભાવના
રાજ્યના જુદા જુદા ભાગોમાં શનિવારે વરસી ગયેલા ધોધમાર વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે ખંભાળિયા શહેર તથા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ગઈકાલે રવિવારે સવારના સમયે કેટલાક વિસ્તારોમાં હળવા અમી છાંટણા વરસ્યા હતા. છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાનો અનુભવ કરાઈ રહ્યો છે. તે વચ્ચે ખંભાળિયામાં છેલ્લા બે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા સહિત જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે બપોરના સમયે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં ખંભાળિયા તાલુકાના લાલપરડા, લાલુકા તેમજ ભાણખોખરી સહિતના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી જતા અનેક સ્થળોએ પાણી ચાલી નીકળ્યા હતા. આટલું જ નહીં, નાના ચેક ડેમોમાં પણ નવા પાણીની વિપુલ આવક થવા પામી હતી. વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે આ વરસાદ કાચા સોનારૂપ બની રહેતા ખેડૂતોમાં આનંદની લાગણી જાેવા મળી હતી. જાેકે સરકારી ચોપડે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી.