રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’-સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦ અંતર્ગત રૂ. ૧૮૬૧.૪૨ લાખના ૧૨૨ હેવી અર્થ મુવિંગ મશિનરી તથા નિરીક્ષણ વાહનોનું આજે ગાંધીનગર ખાતેથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૪-૨૫માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા રૂા.૧૮.૬૧ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકારની મશિનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ વાહનો દ્વારા રાજ્યના વર્તમાન ડેમ, કેનાલ, તળાવ બનાવવા, દુરસ્ત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ‘કેચ ધ રેઇન’ – સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦‘ અંતર્ગત કાંપ દુર કરી તળાવો ઊંડા કરવા, કેનાલોની મરામત, સાફ સફાઈ, પુરના પાણીને નડતરરૂપ અવરોધો દુર કરવા, પૂર રાહતની આકસ્મિક અને આવશ્યક કામગીરી, જળસંગ્રહ-જળસંચયની કામગીરી સુચારૂ રૂપે-ત્વરીત કરી શકાય તે હેતુથી આ આધુનિક હેવી મશિનરીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત જળ સંપત્તિ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ પર ચાલતી કામગીરી ઉપર ક્ષેત્રિય કચેરીઓ દ્વારા નિરીક્ષણ કરી શકાય તેવા ઉદેશ સાથે કુલ ૧૦૭ નિરીક્ષણ વાહનોની પણ ખરીદી કરવામાં આવી છે જે વાહનોને આજે પ્રસ્થાન કરાવ્યું હતું તેમ, મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રી કુંવરજીભાઈએ વાહનોની ઉપયોગીતા વિશે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, જળ સંપતિ વિભાગની મશિનરી દ્વારા વાર્ષિક અંદાજીત ૭૦ લાખ ઘન મીટરથી વધુ માટીકામ તેમજ હયાત કેનાલ, ડેમના પાળાપર પર ઉગી નીકળેલ નડતર રૂપ ઝાડી ઝાખરા તેમજ નકામી વનસ્પતિ વિગેરેને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તદઉપરાંત ગામ તળાવ નવા બનાવવા, છિછરા થયેલ હયાત તળાવોને પુન: ઉડા કરવા તેમજ પુર દરમિયાન ડેમના અને કેનાલના ક્ષતી પામેલ પાળાઓની મરામત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીથી ડેમ સલામતીમાં વધારો થશે અને ગામ તળાવોની જળ સંગ્રહ શકિતમાં વધારાની સાથે પાણી સંગ્રહ પણ થશે. વધુમાં જળ સંપત્તિ વિભાગ હેઠળની જળ સંપતિ યોજના, કેનાલ, ગામ તળાવ વિગેરેના ર્નિમાણ તેમજ નિભાવની ચાલતી કામગીરીનું નિરીક્ષણ સુચારૂ રીતે સમયસર પૂર્ણ થઇ શકશે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી ક્ષેત્રિય કચેરીઓને જરૂરીયાત મુજબના આ નવીન નિરીક્ષણ વાહનોની ફાળવણી કરવામાં આવી છે તેમ મંત્રી જણાવ્યું હતું. મંત્રીએ આ વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરી વિવિધ વિગતો મેળવી હતી. ગાંધીનગરથી મંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલા વાહનોમાં રૂા.૯૮૨.૧૦ લાખની કિંમતની ૧૦૭ નિરીક્ષણ- બોલેરો વાહનો, રૂા.૫૬.૪૪ લાખના ૦૨ બેકહો લોડર, રૂા.૧૦૮.૫૦ લાખના ૦૨ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક લોંગરીચ એક્સકેવેટર, રૂા.૧૦૦.૨૫ લાખના ૦૨ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક એક્સકેવેટર ૦.૯-૧.૦ ક્યુબી.મી કેપેસીટી, રૂા.૫૧.૪૯ લાખનું ૦૧ કોમ્પેક્ટર રોલર ૧૧ ટન, રૂા.૧૫૦.૩૪ લાખના ૦૩ પ્રાઈમ મુવર વિથ ટ્રેલર, રૂા.૫૩.૫૮ લાખના ૦૩ ટ્રક- ૬ થી ૭ ટન અને રૂા.૩૫૮.૭૨ લાખની કિંમતના ૦૨ મ્ડ્ઢ-૬૫ ડોઝર એમ કુલ ૧૨૨ વાહનો મળીને કુલ રૂા.૧૮૬૧.૪૨ લાખનો સમાવેશ થાય છે.