ખંભાળિયામાં અંધેર તંત્રનો તાદશ નમૂનો : સલાયા અન્ડર બ્રિજના કામ માટે લાંબો સમય રોડ બંધ રાખી, પુન: રોડ શરૂ કરવાનો ર્નિણય !

0

એકાદ માસ સુધી લોકોને હાડમારી આપ્યા બાદ પુન: સલાયા ફાટકનો માર્ગ કાર્યરત

ખંભાળિયા શહેરમાં હાથ ધરાયેલા સલાયા ફાટક અંડર બ્રિજના કામ માટે આશરે એકાદ માસ સુધી સલાયા ફાટક વાળો રસ્તો બંધ કર્યા બાદ અહીંથી પસાર થતા હજારો વાહનો, વાહન ચાલકોને હાલાકી આપ્યા પછી મંગળવારથી પુન: આ જુનો રસ્તો શરૂ કરી દેવાની મંજૂરી આપવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં ભારે રોષ સાથે ટીકાસ્પદ બની ગયેલી આ બાબતમાં ખંભાળિયા શહેરમાંથી અહીંની સરકારી જનરલ હોસ્પિટલ, કોર્ટ, સલાયા વિગેરે તરફ જતા રસ્તામાં ફાટકના કારણે લાંબો સમય લોકોને પ્રતિક્ષા કરી અને સમયનો વ્યય થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી રજૂઆતો બાદ અહીં ફાટક નીચેથી રસ્તો કાઢી, અંડર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જે માટેની કામગીરી થોડા સમય પૂર્વે શરૂ કરી દેવામાં આવી હતી. આ પછી અહીંના ફાટક નીચેથી કામ શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડી, સલાયા બ્રિજને વાહન ચાલકો તેમજ નગરજનો માટે સંપૂર્ણપણે બંધ કરી અન્ય ડાયવર્ઝનના માર્ગને વૈકલ્પિક રસ્તો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી નગરજનોમાં આ મુદ્દે કચવાટ સાથે રોષ જાેવા મળ્યો હતો. આ મુદ્દે અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ વિગેરે દ્વારા તંત્ર સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆતો કરી અને સુગમતા રૂપ વૈકલ્પિક ડાયવર્ઝનની માંગ કરવામાં આવી હતી. આખરે ગઈકાલે મંગળવારે તંત્ર દ્વારા ર્નિણય લઇ અને અંડર બ્રિજનું કામ મુલતવી રાખી, ઉપરોક્ત સલાયા ફાટક વાળો રસ્તો લોકો માટે પુન: ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે સતત એકાદ માસ જેટલા સમય સુધી નગરજનો, વાહનચાલકોને મુશ્કેલીમાં મુક્યા બાદ અગાઉ લેવામાં આવેલો ર્નિણય અણઘડ અને પ્રોપર અભ્યાસ વગરનો હોવાનું ફલિત થાય છે. આ મુદ્દે જાણવા મળતી વિગત મુજબ કોન્ટ્રાક્ટર માટે અંડર બ્રિજમાં ગડરનું કામ ચોમાસાના દિવસોમાં થઈ શકતું નથી અને ૧૫ જૂનથી વિધિવત રીતે સરકારી ચોપડે ચોમાસુ બેસી ગયું છે. જેના કારણે અહીં સિવિલ સહિતના ચોક્કસ પ્રકારના કામો થઈ શકતા નથી. ત્યારે ઉચ્ચ કક્ષાએથી જરૂરી કામ માટે મંજૂરી ન મળતા આખરે આગામી સપ્ટેમ્બરમાં સુધી આ રસ્તો પુન: ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે અહીંના પ્રાંત અધિકારી તેમજ સંબંધિત તંત્ર દ્વારા ચર્ચાઓ અને સંકલન પછી સલાયા ફાટકની બાજુમાંથી કામ ચલાઉ ડાયવર્ઝન કામ કાઢવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી !! ત્યારે તંત્ર દ્વારા જે-તે સમયે લેવામાં આવેલો આ ર્નિણય કથિત રીતે ભૂલ ભરેલો હોવાનું ચિત્ર ખડું થયું છે. હાલ આ રસ્તો પુન: શરૂ કરી દેવામાં આવતા અહીંથી પસાર થતા હજારો વાહનો વિગેરેને ચોમાસાની ઋતુમાં ભંગાર ડાયવર્ઝનમાંથી પસાર થઈ અને હાડમારી વેઠવામાંથી મુક્તિ મળી છે. જેથી હાલ લોકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે.

error: Content is protected !!