દખણાદા બારામાં બે ઉમેદવાર વચ્ચે ટાઈ થતાં ચિઠ્ઠી નાખીને ફેંસલો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી જિલ્લાની તમામ ૬૯ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ગઈકાલે બુધવારે સવારે સાત વધારવામાં આવી હતી. જેમાં ચૂંટણી અધિકારી તેમજ વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ રીતે આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. મત ગણતરી બાદ વિજેતા સરપંચ અને ઉમેદવારો જાહેર થયા હતા. ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામમાં વોર્ડ નંબર ૫ ના બંને મહિલા ઉમેદવારોને એક સરખા ૫૮-૫૮ મત મળતા બંને પક્ષે સહમતિ બાદ ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચરોજકામ કરી અને ચિઠ્ઠી નાખવામાં આવી હતી. જેમાં હંસાબા કનુભા જાડેજા વિજેતા જાહેર થયા હતા. સરપંચ પદ માટેની ચૂંટણીમાં ખંભાળિયા તાલુકામાં દખણાદા બારા ગામે નયનાબા અનોખી જાડેજા, જુના તથીયા ગામે સરપંચ તરીકે પાબીબેન કરમુર, ગોકલપર ગ્રામ પંચાયતના ખીમજીભાઈ હરજીભાઈ નકુમ, ટીંબડી ગામે વર્ષાબા રમેશસિંહ જાડેજા, વિરમદળ ગામે અરશીભાઈ માલદેભાઈ વાઢેર, વચલા બારા ગામે મંછાબા ઘેલુભા સોઢા, આથમણા બારા ગામે બ્રીજરાજસિંહ ઉમેદસિંહ જાડેજા, ભાડથર ગામે સામતભાઈ બાબુભાઈ કંડોરીયા સરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા. આ સાથે ખંભાળિયા તાલુકાના મહત્વના એવા દાતા ગામની રસાકસીભરી પેટા ચૂંટણીમાં સરપંચ પદે પૂર્વસરપંચના ભાઈ દિપસિંહ હેમુભા જાડેજા નોંધપાત્ર મતની લીડથી ૫૮૩ મત મેળવીને વિજેતા જાહેર થયા હતા. વિજેતા થયેલા સરપંચ તેમજ ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા. આ ઉપરાંત પેટા ચૂંટણીના પરિણામોમાં ધરમપુરની વોર્ડ નંબર ૧૮ ની પેટા ચૂંટણીમાં સલીમ ઉમર ખીરા, ભાટિયા ગામના સરપંચ તરીકે સવિતાબેન રાજુભાઈ માતંગ અને પાછતર ગામના સરપંચ તરીકે ગીતાબેન રમેશભાઈ હૂણને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કે.કે. કરમટા અને અમોલ આવટેની ટીમ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.