એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, વોટર હાવેર્સ્ટિંગ ટેન્ક, લાયબ્રેરીનું મંત્રી મુળુભાઇ બેરા હસ્તે લોકાર્પણ
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા ખાતે એક પેડ માં કે નામ, વોટર હાવેર્સ્ટિંગ ટેન્ક અને લાઇબ્રેરીનું લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરાએ કહ્યું હતું કે, શિક્ષણએ કોઇપણ વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનું પાસું છે. એમાં પણ જાે મયુર શૈક્ષણિક સંકુલ જે વિધાર્થીઓના શૈક્ષણિક જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યું છે. જિલ્લામાં ખૂબ જ ઓછી એવી સંસ્થાઓ છે જ્યાં શિક્ષણ સાથે સંસ્કૃતિ અને પર્યાવરણના મૂલ્યોનું પણ સિંચન વિધાર્થીઓને બાળપણથી પીરસવામાં આવતું હોય છે. વધુમાં મંત્રીએ કહ્યું કે, આજના સાંપ્રત સમયમાં ગ્લોબલ વોર્મિગની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આ સમસ્યાઓ સામે મક્કમતાથી સામનો કરી રહ્યો છે. હાલના સમયમાં જમીનમાં પાણીના સ્તરો ખૂબ નીચા જઈ રહ્યા છે ત્યારે વરસાદી પાણીના વધારા જથ્થાને દરિયામાં કે નદીઓમાં જતું અટકાવી તેનો સંગ્રહ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “કેચ ધ રેન” અભિયાનની શરૂઆત કરાવી છે. વધુમાં મંત્રીએ કહ્યું કે, પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવું જાેઈએ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અંદાજિત ૧૭.૫૦ કરોડ કરતા વધારે વૃક્ષોનું વાવેતર એક પેડ માં કે નામ અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે. તેમજ એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન હેઠળ મિશન લાઈફને કેન્દ્રસ્થાને રાખી પ્રકૃતિના સંરક્ષણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવાના છે. વધુમાં કહ્યું કે, આ સંસ્થા બાળકોના જીવન ઘડતર માટે ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહી છે. માત્ર શિક્ષણ નહીં પરંતુ શારીરિક કૌશલ્ય નિર્માણમાં પણ અનેરું યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકર કરવા આપણે સૌ પર્યાવરણના સંરક્ષણનો સંકલ્પ લઈએ. આ પ્રસંગે સામાજિક અગ્રણી પાલભાઈ કરમુરે કહ્યું હતું કે, મયુર શૈક્ષણિક સંસ્થા આપણા દ્વારકા જિલ્લામાં શિક્ષણિક ક્ષેત્રમાં ઘરેણા સમાન છે. બાળકોના સર્વાંગી વિકાસની વાત આવે ત્યારે ચોક્કસ મયુર શૈક્ષણિક સંકુલ ઉલ્લેખ કરવો જ પડે. આજે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાવેર્સ્ટિંગ ટેન્ક અને લાયબ્રેરી સહિત વિવિધ લોકાર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના વોટર હાવેર્સ્ટિંગના વિચારને મયુર શૈક્ષણિક સંકુલ મૂર્તિમંત કરી અંદાજિત પાંચ લાખ લિટરની ક્ષમતા ધરાવતી ટેન્કનું નિર્માણ કર્યું છે જે આવનારા દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ તકે કાર્યક્રમમાં શાળાની વિધાર્થીઓની દ્વારા સ્વાગત ગીત તેમજ કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.