દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

0

ખંભાળિયાની ગ્રામ્ય શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં ભૂલકાઓને પ્રવેશ

સમગ્ર રાજ્ય સાથે આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગુરૂવારથી પ્રારંભ થયો છે. જેમાં ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખંભાળિયાની અવેડાવાડી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આ શાળાના બાળકોને શિક્ષણ જગતમાં પ્રવેશ કરાવી, મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેની ફળશ્રુતિ રૂપે આજે આપણે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શાળા પ્રવેશોત્સવએ શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકોના નવા અસ્તિત્વ, વ્યક્તિત્વ અને ઉમળકાનું પ્રતીક છે. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તાસભર શિક્ષણ આપવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહેતા રાજ્યમાં શિક્ષાની ગુણવતામાં નોંધપાત્ર સુધારો થયો છે. શાળા પ્રવેશોત્સવને સમાજ સાથે જાેડી સમાજાેત્સવ બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેમ છે. માત્ર શાળાના શિક્ષકો જ નહીં પરંતુ વાલીઓ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બને તે માટે આ વર્ષે “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજાેત્સવ” થીમ સાથે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આપણી શાળાઓ એ માત્ર બાળકોને શિક્ષણ જ નહીં પણ માનવ જીવનના મૂલ્યો અને સંસ્કારોનું સિંચન પણ કરે છે. બદલતા વાતાવરણના પરિણામે અનેક કુદરતી આફતો સર્જાઈ રહી છે. જેના રક્ષણ માટે પરિવારની જાળવણી જ એકમાત્ર ઉપાય છે. સૌ બાળકો તથા વાલીઓને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી, તેની જાળવણી કરવા તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે શક્ય તેટલો પ્લાસ્ટિક ઉપયોગ ન્યૂનતમ કરવા પર તેમણે અનુરોધ કર્યો હતો. આ આયોજનમાં આંગણવાડીમાં, બાલવાટિકા અને ધોરણ – ૧ સહિત કુલ ૫૩ જેટલા ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આભારવિધિ શાળાના શિક્ષક ચંદ્રકાંત નકુમ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અંગેની શપથ લેવામાં આવ્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જિલ્લા પંચાયતના સભ્યો જીતેન્દ્રભાઈ કણજારિયા, સંજયભાઈ નકુમ, શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી અશ્વિન જાદવ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા, સગાભાઈ રાવલીયા, સરપંચ સહિત તાલુકા પંચાયત સદસ્યો, એસ.એમ.સી.ના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!