ખંભાળિયામાં જડેશ્વર અંડર બ્રિજના કારણે લોકોને વ્યાપક હાલાકી : તંત્રને રજૂઆત : ભારતીય કિસાન સંઘ દ્વારા આક્ષેપો

0

.

ખંભાળિયા શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલા જડેશ્વર અંડર બ્રિજમાં વિવિધ ક્ષતિઓના કારણે આ વિસ્તારમાંથી આવતા-જતા લોકો વાહન ચાલકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગેની લેખિત રજૂઆતો અહીંના કિસાન સંઘ દ્વારા સંબંધિત તંત્રને કરવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં જડેશ્વર મહાદેવ મંદિર સામે અને રેલ્વે સ્ટેશન નજીક આવેલા રેલવેના અંડર બ્રિજ અણઘડ રીતે બનાવવામાં આવ્યો હોવાનું જણાવી આ અંડર બ્રિજ ઉકરડા જેવું બની રહ્યું હોવા અંગેની રજૂઆત અહીંના ભારતીય કિસાન સંઘ દ્વારા રેલવે અધિકારીઓને એક આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યા મુજબ અંડર બ્રિજમાં લાઈટની સુવિધા નથી. જેના કારણે આ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ સાથે પસાર થતા વાલીઓને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. આ ઉપરાંત અહીંથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અવારનવાર અહીં પાણી ભરાઈ જાય છે. જેના કારણે પાણી ઉલેચવા માટે મશીનો મૂકવા પડે છે. આવી પરિસ્થિતિમાં આ વાહન સ્લીપ થવા જેવા અકસ્માતો અવારનવાર બને છે. આટલું જ નહીં અહીં કરવામાં આવેલું કામ લાઈન લેવલનું ન હોવાના આક્ષેપ સાથે સ્કૂલે જતા બાળકો સાયકલ સાથે સ્લીપ થઈ જતા હોવાનું પણ જણાવાયું છે. આ અંડર બ્રિજ અહીંના મહત્વના એવા ધરમપુર અને હર્ષદપુર ગ્રામ પંચાયત વચ્ચે આવતું હોવાથી અહીંથી પસાર થતા ખેડૂતોને તેઓના ઓજારો તેમજ આધુનિક ખેતીના સાધનો સામગ્રી સાથે લઈને નીકળી શકાતું ન હોવાથી તેઓને ૧૦ થી ૧૨ કિલોમીટરનો ફેરો કરવો પડે છે. નજીકમાં આવેલા રેલ્વે સ્ટેશન તેમજ અંડર બ્રિજ વચ્ચે ગાંડા બાવળનું જંગલ હોવાથી અનિષ્ટ તત્વો તેનો ગેરલાભ લેતા હોવાનું પણ કહેવાય છે. જેમાં મુસાફરોની સલામતી માટે પણ સવાલો ઉઠવા પામ્યા છે. રેલવે સ્ટેશન નજીકના રસ્તાઓમાં વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાનું જણાવી, આ સહિતના વિવિધ મુદ્દે તાકીદે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ અને આવું કામ કરતા એન્જિનિયરોનું જાહેરમાં સન્માન કરવામાં આવે તેવા કટાક્ષ સાથેનો આ પત્ર ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ચોપડા દ્વારા રેલવે સત્તાવાળાઓ, જિલ્લા કલેક્ટર, સાંસદ અને ધારાસભ્યને પણ મોકલવામાં આવ્યો છે.

error: Content is protected !!