રૂા.૧૦.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલું પુસ્તકાલય ખુલ્લું મુકાશે
ખંભાળિયા શહેર નજીક ૪૪૩૪ ચોરસ મીટરના વિશાળ ક્ષેત્રફળમાં રૂપિયા ૧૦.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશાળ અને સુવિધાસભર સરકારી જિલ્લા ગ્રંથાલયને શનિવાર તારીખ ૨૮ ના રોજ કેબિનેટ મંત્રીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રામનગર વિસ્તારમાં પોરબંદર રોડ પર આવેલા બજરંગ પાર્કની સામે ૪૪૩૪ ચોરસ મીટરની વિશાળ જગ્યામાં ત્રણ માળનું વિશાળ ગ્રંથાલય ઊભું કરવામાં આવ્યું છે. આ સરકારી જિલ્લા ગ્રંથાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ વિગેરે વિષયના વિવિધ માહિતીસભર ૨૦,૦૦૦ જેટલા પુસ્તકો રાખવામાં આવ્યા છે. આ ગ્રંથાલયમાં એક સાથે ૫૦૦ વ્યક્તિઓ બેસીને વાંચન તેમજ લેખન કરી શકે તે માટેની સુવિધા તેમજ ટેબલ ખુરશીઓ રાખવામાં આવી છે. અહીં પુરૂષ વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, બાળ વિભાગ, સીનીયર સીટીઝન વિભાગ, કોન્ફરન્સ હોલ, ગ્રંથ ભંડાર, પુસ્તક આપ-લે વિભાગ, સંદર્ભ વિભાગ ઉપરાંત કેન્ટીન, પાર્કિંગ અને મલ્ટીપર્પઝ હોલ પણ બનાવવામાં આવ્યા છે. અહીં વિવિધ દૈનિક વર્તમાન પત્રો તેમજ સામાયિકો પણ વાંચન માટે પ્રાપ્ય રહેશે. રૂપિયા ૧૦ કરોડ ૬૧ લાખ ૯૪ હજાર ૯૦૦ ના ખર્ચે નિર્માણ પામેલા આ સરકારી જિલ્લા ગ્રંથાલયનું શનિવાર તા. ૨૮ જૂનના રોજ સાંજે ૫ વાગ્યે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા શક્તિસિંહ જાડેજા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા તેમજ ગ્રંથાલયમાં વાંચનનો લાભ લેવા સરકારી જિલ્લા ગ્રંથાલયના ગ્રંથપાલ હિંમત એમ. ડાંગર, મદદનીશ ગ્રંથાલય નિયામક રાજકોટ વિભાગના એલ.આર. મોઢ તેમજ રાજ્યના નિયામક ડો. પંકજ કે. ગોસ્વામી દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.