પુર્વ મુખ્યમંત્રી રૂપાણીના પત્ની, પુત્ર – પુત્રી સહિતના પરીવારજનો સોમનાથ આવેલ
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જનની વિધિ આજે સોમનાથ સાનિધ્યમાં પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સંપન્ન થઈ હતી. પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમક્રિયાના નવમાં દિવસે ૨૫ જૂને પરિવારજનો સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પહોંચ્યા હતા. અહીં શારદામઠ ખાતે સોમપુરા તીર્થ પુરોહિત ડો. વિક્રાંત પાઠકે શાસ્ત્રોક્ત વિધિથી અસ્થિ પૂજન કર્યુ હતુ. આ વિધિમાં દિવંગતના પુત્ર વૃષભ, પત્ની અંજલીબેન, પુત્રી રાધિકા, પુત્રવધૂ, પૌત્રી અને ભત્રીજાઓ ઉપસ્થિત રહ્યા. પુત્ર વૃષભ અને પુત્રી રાધિકાએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી ઘાટ ખાતે નદીમાં અસ્થિ વિસર્જન કર્યુ હતુ. વિધિ દરમ્યાન પરિવારજનો ભાવુક બન્યા હતા. વિસર્જન બાદ પુત્ર વૃષભ માતાને ભેટીને રડી પડયો હતો. સોમનાથ મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ અવારનવાર સોમનાથ દર્શને આવતા હતા. સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજે શાંતિશુક્તના પાઠનું પઠન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ પણ વિજયભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી. પુરાણોમાં વર્ણવ્યા મુજબ આ ત્રિવેણી સંગમ ઘાટ મોક્ષની પાવનભૂમિ છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ૫૬ કોટી યાદવોના મોક્ષાર્થે તર્પણ વિધિ કરી હોવાથી ત્રિવેણી સંગમ ઘાટે તર્પણ વિધિનું મહત્વ અનેરૂ છે.