દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સપ્તાહમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગઈકાલે શુક્રવારે પણ જિલ્લામાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી જવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં વધુ ૩ ઈંચ (૭૭ મી.મી.) પાણી વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે ખેતરો પાણીથી તરબતર બન્યા હતા.ખંભાળિયા તાલુકામાં ગત સાંજે ધોધમાર ઝાપટા વરસી જતા ૩૮ મી.મી. પાણી પડી ગયું હતું. દ્વારકામાં સાંજથી ધીમીધારે વરસાદ વરસ્યો હતા અને ૧૮ મી.મી. પાણી વરસી ગયું હતું. ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે હળવા ઝાપટા રૂપે ૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારે થોડો સમય ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના પણ દર્શન થયા હતા. જાે કે વરસાદી વાદળો વચ્ચે અમીછાંટણા પણ વરસ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી માફકસર વરસતા આ વરસાદથી ખેતરોમાં નોંધપાત્ર ફાયદો થઈ રહ્યો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ કલ્યાણપુરમાં સવા ૧૧ ઈંચ (૨૮૪ મી.મી.), દ્વારકામાં સાડા ૫ ઈંચ (૧૩૮ મી.મી.), ભાણવડમાં ૪ ઈંચ (૧૦૩ મી.મી.), અને ખંભાળિયામાં સવા પાંચ ઈંચ (૧૩૨ મી.મી.) સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ સાડા ૬ ઈંચ (૧૬૪ મી.મી.) નોંધાયો છે.