ખંભાળિયામાં રૂા.૧૦ કરોડના ખર્ચે બનેલી જિલ્લા લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું

0

નવી પેઢીને પુસ્તક સાથે જાેડી રાખવા માટે પગલું

ખંભાળિયાના પાદરમાં રાજ્યના ગ્રંથાલય વિભાગ દ્વારા રૂા. ૧૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલી જિલ્લા સરકારી લાયબ્રેરીનું લોકાર્પણ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીંના ખંભાળિયા – પોરબંદર હાઈવે પર ૪૪૩૪ ચો.મી. વિસ્તારમાં બનેલું ત્રણ માળનું આ પુસ્તકાલય ૫૦૦ વાચકો એકસાથે બેસીને વાંચી શકે તેવી સુવિધા તેમજ ૪૫ હજાર પુસ્તકોનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ લાયબ્રેરીમાં વિશાળ રીડિંગ હોલ, સિનિયર સિટીઝન, મહિલા અને બાળ વિભાગ, કોન્ફરન્સ હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, સંદર્ભ વિભાગ, અદ્યતન ઈ-લાઇબ્રેરી, પુસ્તક આપ લે વિભાગ, મલ્ટિપર્પઝ હોલ, કેન્ટિન, પાર્કિંગ, ફાયર સેફ્ટી, શૌચાલય જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લાની સરકારી લાઇબ્રેરીઓએ અનેક ઉચ્ચ અધિકારીઓ અને સુજ્ઞ નાગરિકો સમાજને આપ્યાં છે. તેમણે લાયબ્રેરી વિભાગના મંત્રી તરીકે પોતાની કામગીરીની શરૂઆત અંગે વાત કરી હતી. ઉપરાંત આ લાયબ્રેરીના પ્રથમ વિચારથી મંજૂરી અને પ્રોજેક્ટ અમલીકરણની સફર રજૂ કરી, જણાવ્યું હતું કે, “વાંચે ગુજરાત”ના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ નાગરિકો અને નવી પેઢીને પુસ્તક સાથે જાેડી રાખવા માટે ગ્રંથાલય વિભાગની ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સતત કાર્યરત છે. દરેક જિલ્લા અને તમામ તાલુકામાં લાયબ્રેરી કાર્યરત કરવાનું લક્ષ્ય છે. રાજ્યમાં અંદાજિત ૧૦૩ તાલુકામાં લાયબ્રેરીઓ કાર્યરત થઈ છે. લાયબ્રેરી સંચાલિત કરનારા લાયબ્રેરી ટ્રસ્ટને પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ‘ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા લાયબ્રેરીના ઉદઘાટન દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લો પોતાની વિકાસયાત્રામાં વધુ એક પગલું આગળ વધ્યો છે. જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓના પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે. અહીંની ઘી અને તેલી નદીમાં બોક્સ કલ્વર્ટનો પ્રોજેક્ટ તેમજ નગરપાલિકાનું નવું ભવન મંજૂર થઈ ગયું છે. ઓવર બ્રિજ અને અંડર બ્રિજ નિર્માણ દ્વારા ખંભાળિયા શહેર ફાટકમુક્ત બનશે. ભાણવડ ખાતે પણ સ્પોર્ટ્સ સંકુલ અને લાઇબ્રેરી આકાર લઈ રહી છે. દ્વારકા કોરિડોર, ઘી નદી રિવરફ્રન્ટ સહિત જિલ્લામાં અનેક વિકાસકાર્યોની વણઝાર કેન્દ્ર અને રાજ્ય સરકાર દેવભૂમિ દ્વારકાને છેવાડાનો નહીં પણ પ્રથમ જિલ્લા તરીકે જુએ છે તેની સાબિતી છે. જિલ્લા લાયબ્રેરીના ઉદઘાટનથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુ.પી.એસ.સી. જી.પી.એસ.સી. ની તૈયારી કરતાં અમે અન્ય પુરૂષાર્થી વિદ્યાર્થીઓ અને વાંચન રસિકો માટે મોટી સુવિધારૂપ પુરવાર થશે. આ પ્રસંગે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ગુજરાતની શ્રેષ્ઠ અને અદ્યતન જિલ્લા લાઇબ્રેરીઓમાંની એક એવી આ લાઇબ્રેરી આપણા ઘર આંગણે નિર્માણ પામી છે તે ગર્વની વાત છે. પોતાના વાંચન સંસ્મરણો પણ તેમણે વર્ણવ્યા હતા. વડાપ્રધાનના વાંચન શોખ વિશે વાત કરી વિદ્યાર્થીઓને ‘(સોશિયલ મીડિયા) પોસ્ટ્સથી પુસ્તક તરફ‘ વળવા વિશેષ પ્રેરણા આપી હતી. આ લાઇબ્રેરી જિલ્લાને આપવા માટે મંત્રી મુળુભાઇ બેરાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. સાથે સાથે જિલ્લાના વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીમાં વાંચીને ખૂબ આગળ વધે તેવી શુભેરછાઓ પણ પાઠવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધનમાં સર્વ નગરજનોને અભિનંદન પાઠવી લાઇબ્રેરીનો લાભ લેવા અપીલ કરી હતી તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના ગ્રંથાલય નિયામક ડો. પંકજ ગોસ્વામીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાલ, પુષ્પગુચ્છ તેમજ પુસ્તક દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.

error: Content is protected !!