દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ દરમિયાન મેઘરાજાની બેટિંગ અવિરત રીતે જારી રહી હતી. જેમાં બે દિવસમાં દ્વારકામાં સાડા પાંચ ઈંચ (૬૭ મી.મી.), ખંભાળિયામાં એક ઈંચ (૨૧ મી.મી.), કલ્યાણપુરમાં પોણા બે ઈંચ (૪૨ મી.મી.) અને ભાણવડ તાલુકામાં દોઢ ઈંચ (૩૮ મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. શનિવારે દ્વારકામાં અઢી ઈંચ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવર્ત્રિક મુશળધાર વરસાદ ગઈકાલે રવિવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે સોમવારે પણ સવારથી વરસાદી વાદળોની જમાવટ વચ્ચે ઠેર ઠેર હળવા ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં મહદ અંશે વરસી રહેલા આ માફકસર વરસાદથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશાલ છે. નદી – ચેક ડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતો તેમના વાવણી કાર્યમાં જાેતરાઈ ગયા છે. આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં કુલ ૧૩ ઈંચ (૩૨૬ મી.મી.), દ્વારકામાં સવા ૮ ઈંચ (૨૦૫ મી.મી.), ખંભાળિયામાં ૫ ઈંચ (૧૫૩ મી.મી.) અને ભાણવડમાં પોણા પાંચ ઈંચ (૧૪૧ મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સવા ૮ ઈંચ (૨૦૬ મી.મી.) નોંધાઈ ચૂક્યો છે.