જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે લાલપુરા રોડ પર આવેલ સસ્તા અનાજની દુકાનમાં પૂરવઠાનો માલ રાશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. પરંતુ અહી તંત્રની મીઠી નજર હેઠળ દૂકાનદારની અવળચંડાઈ ના લિધે રાશનકાર્ડ ધારકો પરેશાની ભોગવી રહ્યા છે અને અનાજથી વંચિત પણ રહી જાય છે. આ બાબતની વિગતો એવી સામે આવી છે કે, માંગરોળ મામલતદાર પૂરવઠા વિભાગ અંતર્ગત લાલપુરા રોડ પર ભાવેશકુમાર જેન્તિલાલ કોઠારી સસ્તા અનાજની દુકાન ચાલે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દૂકાનદારની મનમાની અને અડોડાઈને લીધે રાશનકાર્ડ ધારકો હેરાનગતિ ભોગવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે. પ્રથમ તો શહેરની અન્ય સસ્તા અનાજની દૂકાનો ની સરખામણીમાં બમણા રાશનકાર્ડ ધારકો એક જ દુકાનદાર પાસે છે. જેના લીધે કાયમી ધોરણે અહી રાશન મેળવવા લોકોની ભીડ લાગે છે. એમાં પણ સમયસર દૂકાનના ખૂલતા અને ગમે ત્યારે બંધ રાખવામાં આવતા સમસ્યા બમણી થઈ જાય છે. દૂકાનદાર હોય તો ઓપરેટર હાજર ના હોય..! ઓપરેટર હોય તો કમ્પ્યુટર ખરાબ હોય અથવા પ્રિન્ટરમાં કાગળો ફસાઈ જાય, વળી ખખડધજ સિસ્ટમને લીધે ફીગર આવવામાં પણ તકલીફ, એવા નતનવા બહાનાઓ હેઠળ કૂપનધારકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે છતાં પણ વારા આવતા નથી. ઘણી વખત ઘર્ષણના બનાવો બનતા રહે છે. કેટલાય કુપનધારકો કંટાળીને જતા રહે છે. કુપન ધારકોએ એવા આક્ષેપ કર્યા હતા કે, અમે દસ દસ ધક્કા ખાઈએ છતા વારા આવતા નથી..! આખો દિવસ લાઈનમાં ઉભા રહીએ અને છેલ્લે એવું કહે છે કે ટાઈમ પૂરો થઈ ગયો કાલે આવજાે..! આજે છેલ્લી તારીખ હોવા છતાં અને દસ વખત ધક્કા ખાવા પછી પણ અનાજ મળ્યુ નથી. તેવા અનેક પ્રકારના આક્ષેપો કરતા કૂપનધારકોએ મિડિયા સમક્ષ પોતાની અરજ કરતા જણાવ્યું હતું કે અમે દૂકાનદારને રાવ કરીએ તો અવડા જવાબો આપે છે. કે, મામલતદાર મા જાઓ, તમારાથી થાય એ કરી લો…! એવા અધોધાઈ ભર્યા જવાબ આપવામાં આવે છે. આખરે આ દૂકાનદારની ફાંકા ફોજદારી કોની રહેમરાહે હશે..? ઘણા સમયથી દુકાનદાર વિરુદ્ધ અનેક રાવ ફરિયાદ હોવા છતાં તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે..! આ બાબતે પૂરવઠા વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે દુકાનદારોનો પક્ષ લેતા જણાવ્યું હતું કે, ઓનલાઈન સિસ્ટમ ધીમી ના લિધે થાય છે..! આ વોર્ડના સભ્ય કાશીબભાઈ શમાએ પણ અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમની સામે પણ પૂરવઠા અધિકારીએ દૂકાનદારનો જ પક્ષ લીધો હોવાનું આક્ષેપ કર્યો હતો. આખરે તંત્રના ઓરમાયા વર્તન અને દૂકાનદારોની મનમાની વચ્ચે રાશનકાર્ડ ધારકોને પિસાવાનો વારો આવ્યો છે. આ દુકાનદારની રાશનકાર્ડ ધારકોની સંખ્યા સામે ડબલ કોમ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરવામાં આવે અથવા રાશનકાર્ડ ધારકોની સંખ્યા સામે આ વિસ્તારમાં નવી સસ્તા અનાજની દૂકાન ચાલું કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.