જૂનાગઢની મધ્યમાં આવેલ કુદરતી વાતાવરણથી ભરપૂર દાતાર ડુંગરના વિલિંગન ડેમ તથા આણંદપુર ડેમમાં નવાં નીર આવતાં બંને ડેમ ઓવરફ્લો થયાં હતાં. જૂનાગઢવાસીઓની જીવાદોરી સમાન આ બંને ડેમ જૂનાગઢને પાણી પુરૂં પાડે છે. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા આ ડેમ લોકો માટે પર્યટન સ્થળ પણ છે અને અનેક લોકો આ ડેમ પર ફરવા અને કુદરતી સૌંદર્ય નિહાળવા આવતાં હોય છે. આ બંને ડેમમાં નવા નીર આવતાં તેમને વધાવવા માટે તા.૨૯-૬-૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી, વોટર વર્કસ સમિતિ ચેરમેન સુભાષભાઈ રાદડિયા, લીલાભાઈ પરમાર, ઓમભાઈ રાવલ, પરાગભાઇ રાઠોડ, એભાભાઈ કટારા, સુમિત ઢાલાણી સહિત વગેરેએ વિધિવત પૂજા કરી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરને પાણી પૂરૂ પાડતા વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમમાં ગિરનારના જંગલમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવા નીરની આવક થતા વિલીંગ્ડન ડેમ અને આણંદપૂર ડેમ ઓવરફલો થયા છે. જેમાં વિલીંગ્ડન ડેમમાંથી દરરોજ ૧.૫ થી ૨ એમ.એલ.ડી. પાણી તેમજ આણંદપૂર ડેમમાંથી દરરોજ ૧૦ એમ.એલ.ડી. પાણી વપરાશ માટે લેવામાં આવેલ છે તેમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.